________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-આરાધના કરો
૧૧૯
તમે સેવા કરવાના. તેઓ પોતાના આસનેથી ઊભા થશે કે તમે ઊભા થઈ જ જવાના. તેઓ શું ઇચ્છે છે, એ એમની મુખાકૃતિ જોઈને તમે જાણી જવાના. તેઓ નિવાસસ્થાનની બહાર જશે તો તમે સાથે જવાના. તેઓ નિવાસસ્થાનમાં આવશે કે તમે તેમના હાથમાંથી દંડ લઈ લેવાના. તેઓનાં ચરણોનું પ્રક્ષાલન કરવાના, તમે સમજી જવાના કે ‘અત્યારે ગુરુદેવને શયન કરવું છે.’ તમે સંસ્તારક પાથરી દેવાના. તમે એમના સહવાસથી જાણી જવાના કે ગુરુદેવની પ્રકૃતિને કયા ભોજ્ય પદાર્થો અનુકૂળ છે અને કયા ભોજ્ય પદાર્થો પ્રતિકૂળ છે. તે મુજબ તમે ગોચરીની ગવેષણા કરવાના. તમે ગુરુદેવના મિજાજને પણ ઓળખી લેવાના. તેમને અણગમતી પ્રવૃત્તિ તમે નહીં કરવાના. તમે સતત ખ્યાલ રાખવાના કે ‘ગુરુદેવને શું પ્રિય છે, શું અપ્રિય છે.’ પ્રિય આચરવાના, અપ્રિય નહીં આચરવાના.
વિનય અને બહુમાનના દિવ્ય ગુણો તમારા મતિજ્ઞાનની વૃદ્ધિ કરવાના, બુદ્ધિની વૃદ્ધિ કરવાના. તે બુદ્ધિ તમને ગુરુ-આરાધનામાં નિપુણ બનાવશે. ગુરુના મનોગત ભાવોને જાણવામાં વિચક્ષણ બનાવશે. ગુરુ પાસેથી મળતા શાસ્ત્રજ્ઞાનને ગ્રહણ કરવામાં અને સમજવામાં દક્ષ બનાવશે, ગુરુકૃપા તમારા શાસ્ત્રજ્ઞાનમાં નિરંતર વૃદ્ધિ કરશે.
આ ગુરુ-આરાધનાના માર્ગમાં એક ભયસ્થાન છે, તે પણ તમે જાણી લો. ‘ગુરુ કાયમ તમને મીઠા-મધુરા શબ્દો સંભળાવે' એવી અપેક્ષા ન રાખશો. તમારી ક્યારેક ભૂલો થઈ જવી સ્વાભાવિક છે, એ ભૂલો સુધારવા ગુરુ તમને કડવા શબ્દો પણ સંભળાવે! અપ્રિય શબ્દો પણ સંભળાવે! અને ક્યારેક શિક્ષા પણ કરે. એ વખતે જો તમે ગુરુદેવ ઉપર રોષે ભરાયા તો ખેલ ખલાસ! એ વખતે તમે પ્રશાન્ત રહેજો. તમારા મુખ ઉપરથી પ્રશમ ભાવની રેખાઓને ભૂંસાવા ન દેશો. બસ તમે ગુરુકૃપાને પાત્ર બની જશો. ગુરુના પુણ્યપ્રકોપને જો તમે શાન્ત-પ્રશાન્ત બની સહન કરશો તો પ્રસન્ન થયેલા ગુરુ પોતાનું હૈયું ખોલીને તમને સમ્યગજ્ઞાનના પ્રકાશથી ભરી દેશે.
જ્યારે ગુરુદેવ તમને કોઈ કાર્ય બતાવે, તમે સહર્ષ એમની આજ્ઞાને શિરોધાર્ય કરજો અને ખંતથી એ કાર્ય કરજો. કદાચ એ કાર્ય કરવાની તમારી શક્તિ ન હોય તો ખૂબ નમ્રતાથી હાથ જોડીને કહેજો : ‘ગુરુદેવ, આપે મને આ કાર્ય બતાવ્યું, મારું અહોભાગ્ય સમજું છું, પરંતુ આ કારણે.... હું એ કાર્ય કરવા શક્તિમાન નથી..... માટે મને ક્ષમા કરજો.' જ્ઞાની ગુરુદેવ તમારી વાત સાંભળશે અને સમજશે.
For Private And Personal Use Only