________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । लोभः पुमर्थहंसानां प्रावृषेण्यधनाघनः ।।४८ ।।
: અર્થ : આશાઓને અતિશય પ્રફુલ્લિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો એવો લોભ, પુરુષાર્થરૂપ હંસોને માટે વર્ષાકાળના મેઘ જેવો છે.
: વિવેચન : લોભ વર્ષાકાળના મેઘ જેવો છે.
જેવી રીતે વર્ષાકાળનો મેઘ દિશાઓને (આશા=દિશા) પ્રફુલ્લિત કરે છે, અંધકારને (તમ) પુષ્ટ કરે છે અને રાજહંસોને ભગાડી મૂકે છે. (વર્ષાકાળમાં રાજહંસો માનસરોવરમાં ચાલ્યા જાય છે.)
તેવી રીતે લોભ, આશાઓને ઇચ્છાઓને પ્રફુલ્લિત કરે છે, અર્થાત્ ઇચ્છાઓને વધારે છે, અજ્ઞાનતાને પુષ્ટ કરે છે અને ચાર પુરુષાર્થ (ધર્મ-અર્થ-કામ-મોક્ષ) રૂપી રાજહંસોને ભગાડી મૂકે છે, - લોભથી ઇચ્છાઓ વધે છે. - લોભથી અજ્ઞાનતા વધે છે. - લોભથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી.
લોભના આ ત્રણ મોટાં નુકસાન છે, લોભથી ઇચ્છાઓ વધે છે. જેમ જેમ ઈચ્છાઓ વધે, તેમ તેમ અશાન્તિ વધે, સંતાપ વધે, મનની ચંચળતા વધે,
લોભથી અજ્ઞાનતા વધે છે. ભલે શાસ્ત્રોનું જ્ઞાન હોય, એને ક્યારેય આત્મજ્ઞાન ન થાય. લોભી આત્મજ્ઞાની ન બની શકે. અજ્ઞાનતાના ઘોર અંધકારમાં એ ભટકતો રહે છે.
લોભી કોઈ પણ પુરુષાર્થને સિદ્ધ કરી શકતો નથી. એમાંય ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થથી તો તે હજારો યોજન દૂર રહે છે. કામપુરુષાર્થમાંય તેને નિષ્ફળતા જ મળે છે. અર્થપુરુષાર્થમાં એને ક્યારેય સંતોષ થતો નથી. અસંતોષની આગમાં સળગ્યા જ કરે છે.
આ રીતે લોભનાં નુકસાનો જાણીને વિવેકી મનુષ્ય લોભનો ત્યાગ કરવો જોઈએ.
For Private And Personal Use Only