________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦.
પાંપણે બાંધ્યું પાણિયારું જ અમે રોકાતા હતા. જ્યાં અમે એ રમણીય પ્રદેશમાં પ્રવેશ કર્યો ત્યારે મારા શરીરમાં રોમાંચ થયો. મારાં રોમેરોમે હર્ષનાં ફૂલ ખીલી ઊઠ્યાં.... એ લીલાંછમ વૃક્ષો... વૃક્ષોની ડાળી પર મધુર કલરવ કરી રહેલાં પંખીઓ, યત્ર તત્ર વહી રહેલાં ઝરણાંઓ... કૂદાકૂદ કરી રહેલાં મૃગબચ્ચાંઓ...વૃક્ષપર્ણોથી આચ્છાદિત શિલાપટ્ટકો અને સ્વચ્છ ગુલાબી રેતીથી છવાયેલાં વિશાળ મેદાનો.... સર્વત્ર સૌંદર્ય હતું... મારા હૃદયે ક્ષણિક આનંદ અનુભવ્યો. અશાંત હૃદય સૌંદર્યને કદાચ જોઈ શકે, પણ માણી તો ન જ શકે; અને, હું અહીં સૌંદર્ય માણવા જ આવ્યો હતો? સૌંદર્યને માણવાની ઇચ્છાઓ જ ઉપશાંત થઈ ગઈ હતી. ઋષિદત્તા વિનાનું જીવન જ અકારું બની ગયું હતું.
મારી ઇચ્છા એ રાજર્ષિના આશ્રમમાં જ પડાવ નાખવાની હતી. મેં મહામંત્રીને સૂચના આપી અને મારો રથ આશ્રમ તરફ દોડવા લાગ્યો. સમગ્ર પરિવાર પણ મારી પાછળ આવવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં મેં દૂરથી ભગવાન ઋષભદેવના એ સુંદર જિનાલયનાં દર્શન કર્યા. મેં રોમાંચ અનુભવ્યો. મારી જમણી આંખ સ્કુરાયમાન થવા લાગી.
આશ્રમના દ્વારે જ મેં મારા રથને ઊભો રાખ્યો. રથમાંથી ઊતરીને મેં આશ્રમમાં પ્રવેશ કર્યો. આશ્રમના એક-એક વૃક્ષ સાથે મારે ઓળખાણ હતી! આશ્રમના એક-એક પથ્થર સાથે મારે પરિચય હતો. ભગવાન ઋષભના એ મંદિરના એક-એક સોપાન સાથે મારે પ્રેમ હતો. ભગવાન ઋષભની નયનરમ્ય મૂર્તિ સાથે તો જાણે આત્મીયતા જ સધાઈ ગઈ હતી. ઋષિદત્તાના સંગે એ પ્રભુનાં દર્શન-પૂજન અને સ્તવનમાં અનેક દિવસ અપૂર્વ આનંદ અનુભવેલો હતો.
જિનાલયનાં સોપાન ચઢીને મેં મંદિરમાં પ્રવેશ કર્યો. ત્રિભુવનપતિ પરમાત્માનાં દર્શન થતાં જ હૃદય ગદ્ગદ્ બની ગયું, રોમરાજી વિકસ્વર થઈ ગઈ.... આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. મેં ભાવસભર હૃદયે પરમાત્માની સ્તવના કરી. ત્રણ વાર પંચાંગ પ્રણિપાત કર્યા... અને આંખો બંધ કરીને પરમાત્માના ચરણોમાં બેસી ગયો. મને બંધ આંખે પરમાત્માની પ્રસન્ન મુદ્રાનાં દર્શન થવા લાગ્યાં... પરમાત્માના નયનોમાંથી કરુણામૃત ઝરતું દેખાયું!
ખરેખર, મારો શોક, ઉદ્વેગ અને સંતાપ દૂર થઈ ગયાં. આંતરઆનંદથી મારું હૃદય છલકવા લાગ્યું. હું સમજી શકતો ન હતો કે મને શું થઈ રહ્યું છે! મારા ભાવોનું ગજબ પરિવર્તન હું અનુભવી રહ્યો હતો. મને ખ્યાલ ન રહ્યો કે હું કેટલો સમય ત્યાં પ્રભુના ચરણોમાં બેસી રહ્યો!
For Private And Personal Use Only