________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
93
દુઃખ, વેદના અને અજંપાથી મારું મન વિહ્વળ હતું, ત્યાં રુક્મિણી સાથે લગ્ન કરવા, કાવેરી નગરી જવાની માતાએ વાત કરી. સ્મૃતિના સંગ્રહસ્થાનમાં ઋષિદત્તાની પ્રતિમા અખંડ હતી. એનું ક્ષણે ક્ષણે સ્મરણ હતું. પળે પળે એની યાદમાં મારું મન રમણ હતું. મને માતાની વાત જરાય ન ગમી.... હું મૌન રહ્યો. માતા પણ મૌન રહી. એ દિવસે એ ચાલી ગઈ. હું જાણતો હતો કે માતાએ માત્ર પિતાજીના સંદેશાવાહકનું કામ કર્યું હતું. પિતાજી જાણતા હતા કે હું મારી માતાની આજ્ઞાને, માતાની ઇચ્છાને ક્યારેય અવગણતો ન હતો.
બીજા દિવસે પણ માતાએ કાવેરી જવાની અને રુક્મિણી સાથે લગ્ન કરવાની વાત કાઢી. મેં દુઃખભર્યા શબ્દોમાં માને કહ્યું : “મા, તું પણ મને રુક્મિણી સાથે લગ્ન કરવાનું કહે છે? તું શું મારા મનની વ્યાકુળતા નથી જાણતી? હું ઋષિદત્તા સિવાય કોઈ સ્ત્રીમાં પત્નીની કલ્પના પણ નથી કરી શકતો.. હજુ ઋષિદત્તાની નિર્મમ અને નિષ્ફર હત્યા થયાને બે મહિના પણ વીત્યા નથી, એ ક્રૂર હત્યાના કાળા પડછાયા હજુ આ રાજમહેલ ઉપર અને નગર ઉપર છવાયેલા છે.... વિષાદ... નિરાશા અને વિવશતાના કરુણ સ્વરો હજુ વાતાવરણને ગમગીન બનાવી રહ્યા છે.. ત્યારે હું લગ્નની શરણાઈઓ વગડાવું? હું શણગાર સજું..? મા, તું આ વાત જ ન કર... આ વાત ક્યારેય ન કરીશ. આ જીવનમાં હવે બીજી કોઈ સ્ત્રીનો પ્રવેશ સંભવિત નથી.”
બે હાથની હથેળીઓ પર મુખ ટેકવીને, નીચી નજરે માતા મારી વાત સાંભળી રહી હતી. એના મુખ ઉપરની કોમળતા પર વેદનાનો કાળો રંગ ફેલાયેલો હતો. તેની સ્નેહભરી આંખોમાં વિવશતા પ્રતિબિંબિત થઈ રહી હતી. તેના મુખમાંથી થોડોક નિઃશ્વાસ સરી પડ્યો. તેની આંખોમાંથી બેચાર આંસુ સરી પડ્યાં... તેણે સાડીના પાલવથી એ આંસુ લૂછી નાંખ્યાં. તે ઊભી થઈ અને પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભી રહી ગઈ. હું પણ પલંગ ઉપરથી ઊભો થઈ માની પાસે જઈને ઊભો રહ્યો. માએ કરુણાભીની આંખે મારી સામે જોયું અને દૂર દૂર ક્ષિતિજ પર એની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ.
તેણે મારો હાથ પકડ્યો અને મારી સામે જોયું. એ ભદ્રાસન પર બેસી ગઈ. હું એના ચરણોમાં જમીન પર બેસી ગયો.
For Private And Personal Use Only