________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૩
મારા આદર્શો હતા વિશાળ સામ્રાજ્ય, પ્રજાનું સુખ, પ્રજાની સમૃદ્ધિ, શત્રુઓનું દમન અને સદાચારોનું પ્રવર્તન! અલબત્ત, પિતાજી પ્રજાવત્સલ રાજા તરીકે પ્રસિદ્ધ હતા. તેમના શાસનકાળમાં પ્રજાએ સુખ-સમૃદ્ધિ મેળવી હતી. મારા આદર્શના ઘડતરમાં પિતાજીનો ફાળો નાનોસૂનો ન હતો.
હું એમ નહીં કહી શકું કે હું ધાર્મિક પ્રવૃત્તિનો રાજકુમાર હતો! હા, મને પરમાત્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા જરૂર હતી. ઋષિમુનિ અને મહાત્માઓ પ્રત્યે મારા હૃદયમાં આદર હતો. દાન-શીલ, પરમાર્થ-પરોપકાર.... વગેરે મને ગમતા ધર્મ હતા. ધર્મના નામે થતી પ્રાણીહિંસા મને જરાય ગમતી ન હતી. હિંસક યજ્ઞો ઉપર પિતાજીએ પ્રતિબંધ મૂકી દીધો હતો. પિતાજીને સર્વજ્ઞભાષિત અહિંસાપ્રધાન ધર્મ ખૂબ ગમતો હતો. માતાને તો વીતરાગ પરમાત્મા જ આરાધ્ય દેવ હતા. અમારા નગરમાં અને રાજ્યમાં અનેક જિનમંદિરો હતાં, અનેક શિવમંદિરો પણ હતાં. પ્રજાજનો પોતાની ઇચ્છાનુસાર ધર્મ પાળી શકતા હતા.
પિતાજીની રાજસભામાં જ્યારે વિદ્વાનોની ચર્ચાસભાઓ યોજાતી, ત્યારે હું રાજસભામાં અવશ્ય જતો. મને તત્ત્વચર્ચા સાંભળવામાં ખૂબ આનંદ આવતો. પિતાજી વિદ્વાનોનો આદર કરતા, મોટી ભેટો આપતા. આથી પિતાજીની અન્ય રાજ્યોમાં પણ ખ્યાતિ પ્રસરેલી.
એક દિવસ રાજસભામાં વિદ્વાનોની તત્ત્વચર્ચા જામી હતી. પિતાજી રાજસિંહાસન પર આરૂઢ હતા. હું તેઓની પાસેના જ સિંહાસન પર બેઠો હતો. ત્યાં દ્રારપાલે આવીને, પિતાજીને નમન કરી નિવેદન કર્યું : ‘મહારાજા, કાવેરીનગરથી રાજદૂત આવેલા છે અને આપનાં દર્શન કરવા ચાહે છે.’
‘એમને આદરસહિત અહીં લઈ આવો.' પિતાજીએ દ્વારપાલને અનુજ્ઞા આપી. તુર્ત જ દ્વારપાલ એક તેજસ્વી રાજદૂતને લઈને પિતાજી સમક્ષ હાજર થયો. આગંતુક રાજદૂતે પિતાજીને મસ્તકે અંજલિ જોડી પ્રણામ કર્યા, મધુર ભાષામાં અભિવાદન કર્યું અને પોતાના આગમનનું પ્રયોજન કહેવા માંડ્યું :
‘હે મહારાજા, હું કાવેરીપતિ મહારાજા સુરસુંદરનો અગત્યનો સંદેશ લઈને આપની સેવામાં ઉપસ્થિત થયો છું.’
‘હે રાજદૂત, મારા એ પરમસ્નેહી રાજન્ કુશળ છે ને?' પિતાજીએ રાજ્યની અને પ્રજાની કુશળતા પૂછી.
‘મહારાજા! અમારા રાજા અને અમારી પ્રજા કુશળ છે. મહારાજા સુરસુંદરે મને એક વિશિષ્ટ પ્રયોજનથી અહીં મોકલ્યો છે, તે પ્રયોજન આપ શાંત ચિત્તે
For Private And Personal Use Only