________________ પ૪૨ કહેવો. તેનું કારણ એ કે સામાયિક લેવા પૂર્વે દેવવંદન કરવું જોઈએ તે સામાન્યતઃ “લોગસ્સ”ના પાઠથી થઈ જાય છે. પછી “ખમાસમણ” દઈ મુહપત્તિ પડિલેહવાનો આદેશ માગી મુહપત્તિ પડિલેહવી, તેનું કારણ એ છે કે આગળ ખમાસમણપૂર્વક આદેશો માગવાના છે, તે ખમાસમણ દેતાં પાંચે અંગ (બે હાથ, બે ઢીંચણ, મસ્તક) ભેળાં થાય ત્યાં જીવહિંસાનો સંભવ છે; તેથી તેમાં કોઈ જીવ રહેલ હોય તે પડિલેહણથી દૂર થાય, પછી “ખમાસમણ” પૂર્વક “સામાયિક સંદિસાહુ” અને સામાયિક ઠાઉં” એવા બે આદેશો માગવાના છે. પહેલાથી સામાયિક લેવા સંબંધી આદેશ (આજ્ઞા) મંગાય છે, ને બીજાથી સામાયિકમાં સ્થિર થવા સંબંધી આદેશ મંગાય છે, પછી એક “નવકાર” ગણી ગુરુ પાસે સામાયિક દંડક ઉચ્ચરાવવા સંબંધી પ્રાર્થના કરવામાં આવે છે, અત્રે ગુરુ ન હોય તો સામાયિક લીધેલ કે લેતા જ્ઞાનવૃદ્ધ શ્રાવક પાસે તે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે છે, અને તે “કરેમિ ભંતે ઉચ્ચરાવે છે. આ પ્રાર્થના ગુરુના વિનયાર્થે છે ગુરૂને અભાવે જે વડીલ શ્રાવક હોય તેની પાસે સૂત્રો બોલવા સંબંધી આદેશો માગવા. તેના પાર્યા પછી કાઉસ્સગ્ગ પારવો, સર્વ આદેશો તેમને જ માગવા દેવા, અને બીજાઓએ તેમની નિશ્રાએ વર્તવું, ઇત્યાદિ વિનયકરણી કરવી જરૂરની છે. જિનાજ્ઞા એવી જ છે. માટે તેનો ઉપયોગપૂર્વક ખપ કરવો. પછી ચાર ખમાસમણ દેવાપૂર્વક ચાર આદેશો માગવામાં આવે છે. તેમાં બેસણે “સંદિસાહુ” એ બેસવાની રજા માંગવા સંબંધી છે. અત્રે ઉભો હોય તે જ બેસવાની આજ્ઞા માગે તેથી સામાયિક ઉભા ઉભા લેવું એમ સૂચવાય છે. બેઠેલો બેસવાની આજ્ઞા માગે તે જેમ હાસ્યપાત્ર થાય છે. તેમ અત્રે પણ સમજવું.