________________
નહિ ઐસો જનમ બાર-બાર
૩૯
કર્મનું ગણિત
વર્તમાનકાળનાં સુખો કે દુઃખો ઉપરથી કોઈ પણ માણસ પોતાના ભાવિને પ્રકાશમય કે અંધકારમય કલ્પી શકે નહિ.
સવારનો રાજા બપો૨નો ભિખારી!
બપોરનો ભિખારી સાંજનો રાજા!
એક પળ પછીની વાત પણ કરી શકાય તેમ નથી. કઈ પળે કયા કર્મો શું કરી બેસશે ? તે પ્રશ્નનો ઉત્તર આપણા માટે તો સદૈવ અજ્ઞાત બની રહ્યો છે.
એથી જ, ‘માણસ ધારે છે કાંઈ અને બની જાય છે કાંઈ? એવી પરિસ્થિતિ ચોમેર જોવા મળે છે.
હિટલર એક વખત લાકડાફાડું તરીકેની જિંદગી ગુજારતો હતો. અને એમાંથી બની ગયો હે૨-હિટલર! મોટા માંધાતાઓને પણ ગભરાવી મૂકના૨ જર્મન સરમુખત્યાર!
નેપોલીઅનને અચ્છા ચિત્રકાર બનવું હતું; અને બની ગયા ફ્રાન્સના સમ્રાટ ! ગોલ્ડસ્મિથને સર્જન બનવું હતું અને બની ગયા ‘વિકાર ઓફ વેકફીલ્ડ' જેવા વિશ્વપ્રસિદ્ધ કાવ્યોના સર્જક!
કર્મે વાલીયાને વાલ્મિકિ બનાવ્યા; બિલ્વમંગલને સૂરદાસ બનાવ્યો; જયતાકને કુમારપાળ બનાવ્યો. બીજી બાજુ નંદિષણને કામલત્તા વેશ્યાના પ્રેમી બનાવ્યા, અષાઢાભૂતિને પછડાટ આપી; કેટલાય ગૌતમ-ૠષિઓને પતનની અગાધ ખીણમાં પટકી નાખ્યા.
કોઈ સલામત નથી. શ્રીમંત નહિ; રૂપવાન નહિ, સંત નહિ... કોઈ નહિ. જે સારી સ્થિતિ પામ્યા હો તેનો સદુપયોગ કરો લો. કાલ ઉપર કોઈ સારી વાતને જવા દેશો મા! અને બધી ખરાબ વાતોને માટે તમે કરો તો વાંધો નથી.
કર્મની ગુલામી જ મહાદુ:ખ છે ત્યાં બીજાં સુખો શી વિસાતમાં?
કર્મના એક પણ પરમાણુનું અસ્તિત્વ જો આત્માને એનો ગુલામ બનાવનારું બનતું હોય તો એના જેવી બીજી ત્રાસજનક કયી બાબત હોઈ શકે?