________________
નહિ ઐસો જનમ બાર-બાર
૩૭
સહેવા પડે સાધુ જીવનના; ભલે ભોગના પ્રલોભનોને વેગળાય મૂકવા પડે પણ પુરુષાર્થ તો મોક્ષનો જ આરાધી લેવો જોઈ, આ તે કેવો સંસાર! જ્યાં ડૉક્ટર દરદી બની જાય! દરદી ડૉક્ટર બની જાય! શેઠ ગરીબ થઈ જાય, ગરીબ શેઠ થઈ જાય! સુખી દુઃખી થઈ જાય! દુઃખી સુખી થઈ જાય! ના... ના પલટાતા ભાવે ભવ કાં બરબાદ કરવો ?
મોક્ષમાં ઈચ્છાના અભાવનું સુખ
જગતનું મોટામાં મોટું દુઃખ ઈચ્છા છે. કોઈ પણ વસ્તુની ઈચ્છા જાગી એટલે મર્યા! એને પૂર્ણ કરવા કેટકેટલા યત્નો કરવા પડે? એ યત્નોમાં કેટલી હાલાકીઓ પડે!
જો ઈચ્છા જ ન થાય તો ? ભૂખ વગેરે લાગતાં ખાવા વગેરેની ઈચ્છા થાય છે ત્યારે ભોજનની; ધનની; રસોડાની; ઘરની જરૂર પડે છે ને ? પછી જ કબજિયાતના, ચોરીના, ધમાચકડીના દુઃખો પેદા થાય છે ને?
સ્ત્રીના ભોગની ઈચ્છા જાગે છે પછી જ સ્ત્રી ઘરે આવે છે ને ? તે પછી જ બાળ બચ્ચા, માંદગી, મરણ, કલેશ-કંકાસના દુઃખો જન્મે છે ને? પણ એ ઈચ્છા જ ન જાગી હોત તો?
ચળ ઊપડે ત્યારે ખણવા માટે સળીની જરૂર પડે છે ને ? ખણવામાંય ભલે એક પ્રકારનો આનંદ ગણાતો હોય! પણ એના ઊઝરડાના, રોગવૃદ્ધિના દુઃખ કેટલા છે એ કેમ નજર બહાર રહી જાય છે? હું કહું છું કે એ કરતાં ચળ ઊપડે જ નહિ તો ? પછી પેલા દુઃખો ય નહિ. અને નિરોગિતાના આનંદનો કોઈ અંત જ નહિ.
જેને ઈચ્છા જાગી એને જ દુઃખના ડુંગર અથડાયા.
મોક્ષમાં મન જ નથી; ઈચ્છા જ નથી; ચળ જ નથી. માટે જ ત્યાં ખાવા-પીવા, ભોગવવા દ્વારા ખણવાની જરૂર પણ નથી. હવે એ પ્રશ્ન જ ક્યાં રહે છે કે મોક્ષમાં લિપ્ટનની ચા, કોકાકોલાની બાટલી; મર્ફી રેડિયો મળશે કે નહિ? રે! ત્યાં જોઈએ છે જ કોને?
આ જગતમાં જ વસતા મુનિઓને આ બધી ચીજોની ઈચ્છા નથી તો તે કેટલા સુખી છે? એનાથી અનંતગુણ સુખ સર્વેચ્છાશૂન્ય સિદ્ધાત્માઓને હોય છે! માટે જ મોક્ષની હરપળે ઝંખના કરો.