________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૯૯
દુઃખમય સંસારને સુખનું ભૂત વળગે તો
પાપમય બની જાય. શાસ્ત્રકાર ભગવતોએ આ સંસારને દુઃખમાંથી ઊભો થનારો; દુઃખમય બનનારો, અને દુઃખની જ પરંપરાઓ બગાડનારો કહ્યો છે.
સંસારના સુખો ય દુઃખ વિના મળે નહિ; અને મળેલા સુખો ઈર્ષ્યા-અતૃપ્તિના દુઃખે દુઃખમય બન્યા વિના રહે નહિ; તથા એ સુખોના ભોગવટાના પરિણામે દુર્ગતિના દુઃખોની પરંપરાઓ તો પાછી સતત ચાલ્યા જ કરે.
હજી આટલું જ હોત તો આ વાતને આપણે સામાન્ય રીતે ગંભીર કહેવાની તૈયારી બતાડત; પરંતુ જે આત્માના હૈયે સંસારના સુખોની આસક્તિ ઘર કરી જાય છે; જેને આસક્તિનું એ ભૂત વળગી પડે છે એની તો ભારે અવદશા બેસી જાય છે. પછી એનો સંસાર દુઃખહેતુક; દુઃખમય અને દુઃખાનુબંધી બનીને અટકતો નથી; પરંતુ એ પાપહેતુક, પાપમય અને પાપાનુબંધી બનીને જ રહે છે સુખમાં આસક્ત બનેલો આત્મા અનીતિ આદિના પાપોથી ધનાદિની કમાણી કરીને બંગલા વગેરેનો સંસાર પામે છે. આ સુખમય સંસાર ભ્રષ્ટાચારાદિના પાપોથી તરબોળ બનીને પાપમય બને છે. અને અનીતિ, અનાચાર, અહંકારાદિના કાળા સંસ્કારો ભવાંતરોમાં પુનઃપુનઃ જાગ્રત થતા રહીને પાપોની પરંપરા ચાલુ જ રાખતા રહે છે. આમ આખો સંસાર પાપહેતુક; પાપમય અને પાપાનુબંધી બનીને જ રહે છે. ચંડાલ સંભૂતિનો સંસાર દુઃખહેતુક, દુઃખમય અને દુઃખાનુબંધી હતો પરંતુ મુનિજીવનમાં આસક્તિનું ભૂત એને વળગ્યા પછી બ્રહ્મદત્તના ભાવિ જીવનમાં એનો સંસાર પાપહેતુક, પાપમય અને પાપાનુબંધી બની ગયો!
છેવટે પાપ ન ગમવાની સ્પેશિયલ-દોડતી
ટ્રેનમાં તો દાખલ થાઓ! આર્યદેશમાં જન્મ લઈને અનાર્ય તરીકે ગણાઈ જવું એના જેવું બીજું કલંક કયું હોઈ શકે ?
“આર્ય દેશનો જે માણસ છે તે પાપ તો કરે જ નહિ'' એવું આપણે ત્યાં નીતિવાક્ય છે. જો એ ઉત્તમ આર્યજન હોય તો સ્વભાવથી જ પાપ ન કરે; મધ્યમ આર્યજન હોય તો પરલોક ભયથી પાપ ન કરે; અને અધમ એવો પણ આર્યજન હોય તો બેઆબરૂ થવાના ભયથી પાપ ન કરે.