________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૭૫
નંદ મણિયાર! બાપડો થોડો સમય સદ્ગુરુનો વિયોગ પામ્યો તો બધી કમાણી કુંકાઈ ગઈ! મરીને વાવનો દેડકો બન્યો!
આ કાળ તો કેટલો ભયાનક આવ્યો છે! ભાતભાતના વિચારોના વંટોળ વીંઝાતા જ રહે છે. મોટા રુસ્તમની બુદ્ધિ પણ બહેર મારી જાય એટલા જોશથી દરેક બુદ્ધિજીવી વર્ગ પોતાના વિચારોનું “બોમ્બાર્ટીગ’ કરતો હોય છે,
જો આવા વખતે શાસ્ત્રના જાણકાર સાચા સદ્ગુરુનો સંપર્ક સતત જળવાઈ ન રહે તો મન અને જીવન એવા રવાડે ચડી જાય કે જેના ફળરૂપે અનંતકાળનું ભવભ્રમણ લલાટે લખાઈ જાય.
વાંઢાપણું; વાંઝીયાપણું; નમાયા કે નબાપાપણું એ કલંક નથી. પરંતુ નગુરાપણું તો આર્યદેશના માનવનું મોટામાં મોટું કલંક છે. તમને એ લાગ્યું હોય તો સત્વર ભૂંસી નાખજો.
એકલવ્ય! એક ચિંતન
જિનશાસનમાં દીક્ષા પામીને ગુરુને સમર્પિત રહેનારા આદર્શ શિષ્યોની મોટી નામાવલિ થઈ શકે તેમ છે; પરંતુ અહીં આપણે દ્રોણાચાર્યને ગુરુ તરીકે સ્વીકારીને એકપક્ષી સમર્પણ કેળવીને પોતાના ક્ષેત્રમાં અજોડ સિદ્ધિ હાંસલ કરતા એકલવ્ય જેવા આદર્શને નજરમાં લાવવો છે.
આ પ્રસંગની અંદર મોટામાં મોટી વિશિષ્ટતા એ છે કે એકલવ્યને ધનુર્વિદ્યાનું શિક્ષણ આપવાની દ્રોણાચાર્યે સાફ ના પાડી દીધી હતી તો ય હતાશ બન્યા વિના ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવીને એમની અનુપમ ભક્તિ સ્તુતિ અને વંદના કરતો ભીલ એકલવ્ય ધનુર્વિદ્યાની પ્રેરણા મેળવતો ગયો. અંતે એક સમય એવો આવી લાગ્યો કે જ્યારે દ્રોણાચાર્યના અત્યંત કૃપાપાત્ર બનેલા શિષ્ય અર્જુનને પણ એણે પાછળ પાડી દીધો.
કેવી એકતરફી સાધના! ગુરુનો શિષ્ય પ્રતિ કેવો ઉપેક્ષાભાવ! કોઈ પ્રેમ નહિ; વાત્સલ્ય નહિ, કરુણા નહિ.. ઉપરથી તિરસ્કાર!
છતાં એકલવ્યના પક્ષે અપાર ભક્તિ, અનહદ બહુમાન, પૂર્ણ સમર્પણ આથી જ સિદ્ધિની વરમાળા એના ગળે આવીને પડી ગઈ.