________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૭૧
જાગતી ચોકી રાખવાની!
આવી સાધના કરતાં જીવનમાં સત્ત્વ અને પુણ્ય ઉત્પન્ન થાય.
પછી એ સાધુચરિત મહાત્મા હૈયાના અતાગ ઊંડાણમાંથી કોકને આશીર્વાદ દે, “જા... નિષ્પાપ બન! આરાધક બન! સાધુ બન!'' એટલે પેલાનો બેડો પાર! એણે જાણે કશું ય ક૨વાનું નહિ. એણે માત્ર આશીર્વાદ મેળવી લેવાનો. મહાપાપીઓને સંતોના આશિષે ઉગારી લીધા. એમનાં પાપ-મેલના ધોવણ થઈ ગયા; દુઃખો તો દૂમ દબાવીને નાઠા.
પણ કોક સંતપુરુષ આપણા કલ્યાણની ભાવના ભાવે અને એ ભાવનાપૂર્વક આશીર્વાદ દે એવું સૌભાગ્ય પામવાનું કામ ખરેખર વિકટ છે. કેમકે એ મહાત્માઓ અપાત્રને આશીર્વાદ દેવાઈ જવાના ભયથી ખૂબ સાવધાન હોય છે. આશીર્વાદથી ઉત્પન્ન થતાં પુણ્યનો ભયાનક ઉપયોગ અપાત્ર આત્માઓ કર્યા વિના રહેતા પણ નથી.
કેવું અદ્ભુત છે એમનું સંકલ્પ બળ! જેના કલ્યાણનો જીવંત સંકલ્પ તેનો બેડો પાર! જ્યોતિષી પણ ગણિત કરીને ય થાપ ખાય! જ્યોતિષનો કક્કો ભણ્યા વિનાના સંતનો આંતર-અવાજ (intution) કદી જૂઠો ન પડે.
આવી સિદ્ધિ પામવા માટે વિજ્ઞાનને હજી તો કોણ જાણે કેટલા મન્વન્તરો પસાર કરવા પડશે !
ગુરુકૃપા : એક મહામંત્ર
મન ઉપર સજ્જડ ચોટ મારે તે મંત્ર કહેવાય. ‘નમસ્કાર’ વગેરેને આથી જ મંત્ર કહેવાય છે ને ?
પણ મને એમ લાગે છે કે એ મંત્રસ્વરૂપ ઔષધિઓને અનુપાનની તો જરૂર ખરી જ. આ અપેક્ષાએ વિચાર કરતાં મને એવા અનુપાનસ્વરૂપ એક મહામંત્ર જીવનમાં અનુભવવા મળ્યો છે.
એનું નામ છે ગુરુકૃપા. મહાત્યાગીઓ, તપસ્વીઓ કે ધુરંધર વિદ્વાનો અથવા તો મહામંત્રના જાપકો જો એમ માનતા હોય કે, ‘એમના તપ-ત્યાગ વગેરેના સ્વપુરુષાર્થ દ્વારા જ તેઓ જીવનની પવિત્રતાને (આજ્ઞાપાલકતાને) સિદ્ધ કરી શકે તેમ છે' તો તેઓ સાચે જ પોતાના જીવન સાથે ખતરનાક રમત રમી રહ્યા છે. ગુરુકૃપાના મંત્ર વિનાના એ બધા ય - એકડા વિનાના મીંડા જેવા જ ગણી શકાય.