________________
નહિ એસો જનમ બાર-બાર
સાધુ જીવનને હજી કોઈ અડી શકે તેમ નથી
ગુલામીખત ક્યાં નથી લખાયું? એ જ પ્રશ્ન છે. કોણ? કોનો ગુલામ નથી? આશાનો દાસ; સર્વનો દાસ. બાપ! દીકરાનો ગુલામ! ધણી! ધણીઆણીનો ગુલામ ! મા! દીકરીની ગુલામ! સાસુ ! વહુની ગુલામ! શેઠ! નોકરનો ગુલામ! શિક્ષક! વિદ્યાર્થીનો ગુલામ! બુદ્ધિજીવીઓ! સરમુખત્યારોના ગુલામ!
ઈન્કમટેક્સ ઓફીસરોની કરડી નજરોનો; સત્તાધારીઓની ધાકધમકીનો; સાહેબોની તાનાશાહીનો તો કોઈ આરોવારો જ નહિ.
મોંઘવારી, બેકારી; અંધાધૂંધી; અરાજકતા, હડતાલો, ધરણાંઓ; સત્યાગ્રહોથી છાશવારે ને છાશવારે જીવન સ્થગિત થઈ જાય! મન બેચેન બની જાય.
આવી સ્થિતિમાંય સુખી છે એકમાત્ર જૈન સાધુ. સાચી સાધના કરતાં સાધકો!
એ સાધકો જ આર્યસંસ્કૃતિની રક્ષા કરી શકશે; કેમકે નીડરપણે બોલવાની તાકાત હજી એમનામાં તો રહી જ છે. - અહીં કોઈનું કશું ચાલે તેમ નથી. એમને બોલતા કે લખતાં બંધ કરી દેવા ગમે તેવી ધમકી આપો.... નિષ્ફળ જ જવાની છે. તમે કહેશો કે, “તમારા બાળબચ્ચાંને ભૂખ્યા મરવાના દિવસો લાવી દઈશ.”
તે કહેશે; “પણ મારે બાળબચ્ચા છે જ નહિ ને?” “તારા ઘરના તાળા ઉપર સીલ મારી દઈશ. ઉત્તર : “મારે ઘરબાર છે જ નહિ ને. “ઓ સાધુ! તને મારી નાંખીશ.” ઉત્તર : પણ આત્મા મરતો જ નથી ને?
કેવી ધન્ય રક્ષકતા હજી પણ જીવી રહી છે? અફસોસ! તો ય રક્ષકોને એનો લાભ જ ઉઠાવવો ન હોય ત્યાં શું થાય?