________________
નહિ એસો જનમ બાર-બાર
અનંતી ધર્મક્રિયાઓ કરી. હથોડા મારમાર કર્યા પણ જ્યાં મારવાનો હતો ત્યાં તો કદી ન માર્યો. હવે સદ્ગુરુ એને સમજાવે છે કે ધર્મક્રિયાની હથોડીની ચોટ તો મનના રાગદ્વેષ ઉપર જ મારવી જોઈએ. એ વિના ગમે ત્યાં હથોડા મારવાથી કાંઈ જ ન વળે.
પચાસ વર્ષ સુધી-લગાતાર-પાણીમાં વલોણું ફરે તો ય માખણ ન નીકળે તે ન જ નીકળે.
વાદળ શા સંતો! ખારું પીને
મીઠું જલ વરસાવે અષાઢી વાદળો જોયા છે ને! કેવા કાળા ડીબાંગ! કેવો આડંબર! ને પાણીથી છલોછલ ભરપૂર!
સમુદ્રના ખારા પાણી પીએ એ બાપડા? અને મીઠું-મધ જેવું બનાવીને વરસાવી દે આ ધરતી ઉપર.
જે મુનિઓને ઉપદેશ દેવાની ફરજ પડી છે એમના જીવન ઉપર નજર કરીએ ત્યારે આ વાદળ યાદ આવે છે. નવા જૂઠા જમાનાના બુદ્ધિજીવી લોકોના દિમાગમાં ધર્મતત્ત્વ ઠસાવવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન કાર્ય છે. એમના જમાનાનું ખંડન કરી દેવા માટે એમના જ આકર્ષક બીબાઓમાં ધર્મતત્ત્વને ગોઠવીને, એ ધર્મતત્ત્વનું પ્રતિપાદન કરવાનું રહે છે. આ માટે ઉપદેશકોને નવા જમાનાના બધા ય પવનોથી વાકેફ રહેવાનું મહાભયંકર સાહસ કરવું પડે છે. ટૂંકમાં કહું તો; બધી બાબતોના જ્ઞાનનું ઝેર જ પીવું પડે છે. - જો ગુરુકૃપા પ્રાપ્ત ન થઈ હોય તો એ ઝેર જાતને મારી નાખ્યા વિના રહે જ નહિ. સિનેમા; રાજકારણ, ક્રિકેટ, ક્લબોની જાણકારી મેળવવી એ શું વાઘની બોડમાં હાથ નાંખવા જેવું ઘોર દુઃસાહસ જ નથી?
ગુરુકૃપાને પામેલા મહાત્મા જ નીલકંઠ બની શકે છે. જેઓ પીધેલા ઝેરને પોતાના ગળે જ સાચવી રાખે છે. નથી જીવનમાં ઊતરવા દેતા; અને રજૂઆતની ભૂલ દ્વારા નથી જગતમાં ફેલાવા દેતા. અગણિત વંદન હો, એ વિરલ વિભૂતિઓને!