________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૪૭
સાધુજીવન લેવું : ખાવાનો ખેલ પાળવું : ખાંડાનો ખેલ
આ કાળમાં પણ સાધુજીવન લેવું એ તો ખાવાનો જ ખેલ ગણાય, જેમ જેમ જગતમાં દુઃખો વધતા જાય; જીવનનિર્વાહના સાધનની પણ મુશ્કેલી થતી જાય તેમ તેમ સાધુજીવન સ્વીકારી લેવાની ઈચ્છા સહજ રીતે થાય એમાં કશી નવાઈ નથી.
પણ ‘લેવું’ એ જ ખાવાનો ખેલ છે, “પાળવું'' એ તો ખરેખર ખાંડાનો ખેલ
છે.
જિનાજ્ઞાપ્રતિબદ્ધ સાધુજીવનનું પાલન તો જે કરે એને જ ખબર પડે કે કેટલી વીશીએ સો થાય છે ? તલવારની ધાર ઉપર ચાલી નાખવું સહેલું કહ્યું છે, લોઢાના ચણા ચાવવાનું કામ સરળ જણાવ્યું છે, આસમાનના તારા તોડી નાંખવાનું પણ સહેલું કહ્યું છે... એ કાંઈ એમને એમ કહ્યું હશે ?
સાધુત્વનો આનંદ જે માણે છે તે જ સમજી શકે છે; આ વિધાનોના ભારેખમ
વજનને.
આવા મૂલ્યવંતા સાધુજીવનને બટ્ટો ન લગાડવાની પ્રેરણા કરીને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે તો અધ્યાત્મ સારમાં એટલે સુધી કહ્યું છે કે, ‘‘સાધુત્વનું પાલન ન થાય તો કપડાં ઉતારી નાખજો પણ દંભી જીવનનું શરણું તો ન જ લેતા,’’ કોઈકે તદ્દન સાચું કહ્યું છે ઃ
“સાધુજીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર
ચડે તો ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.''
સહે, સાધે અને સહાયક બને તે સાધુ
જિનાજ્ઞાના પાલન વિના સાધુતા આવે નહિ; અને આવેલી સાધુતા ટકે નહિ. સાધુતાના યોગ અને ક્ષેમ માટે જિનાજ્ઞાનું અણિશુદ્ધ પાલન અનિવાર્ય છે. જે સાધુ જિનાજ્ઞાને વફાદાર જીવન જીવતા હોય તેમનામાં સહવાની, સાધવાની અને સહાયક બનવાની ત્રણ તાકાત અવશ્ય ઉત્પન્ન થાય.
પરિષહો અને ઉપસર્ગોને હસતે મોંએ એ સહતા હોય.