________________
૨૪૪
નહિ એસો જનમ બાર-બાર
હા.... તે છે છાશ.
એ દારૂ છોડાવશે; નબળા આંતરડાને ય છાશ પચશે અને આંતરડાંને મજબૂત બનાવીને દૂધ પીતા કરી દેશે.
આમાં કાંઈ સમજાણું? ઝીણવટ નથી હોં! “ન સમજાય તેવું છે' એમ મારે કહેવું ય નથી. જો મને સમજાય તો બધાને સમજાવી શકાય. મને ગોટૅગોટા સમજાયું હોય તો ‘ઝીણવટ’ કહીને કે “નહિ સમજાય' કહીને મારું અજ્ઞાન આબાદ છાવરી શકાય.
વાત એમ છે કે ભોગસુખો દારૂ જેવા છે; એનો નશો ભલભલાને માણસ મટાડી દે છે. મોક્ષસુખ દૂધ જેવું છે. એને પામ્યા વિના કોઈનો ઉદ્ધાર નથી. પણ પરમાલોકના સુખની વાતો સુધી જેના મન પહોંચી શકતાં જ ન હોય તેવાને આ લોકના ભોગરસ મુકાવવા માટે પરલોક માટેના પુણ્યના પ્રેમી (છાશપ્રેમી) બનાવવા રહ્યા. આમ કરતાં ય તે આત્મા; આત્મતત્ત્વનો, પરલોકનો, પુણ્ય-પાપનો સ્વીકાર તો કરશે. હવે સાવ ઉઘાડો ભોગરસી તો નહિ રહે? પુણ્ય કમાવા માટે ય દાનાદિ તો કરશે ને?
બસ... પછી ધીમે રહીને તક મળતાં જ એને મોક્ષરસી બનાવી દેવાય.
કપ્તાન : અરિહંત ધ્રુવતારો : સિદ્ધભગવંત
દરિયાને પાર કરતી સ્ટીમરમાં બેઠેલા માણસોને માત્ર કપ્તાનથી ન ચાલે. ભલે સ્ટીમર અખંડ હોય, કપ્તાન હશિયાર હોય, પેટ્રોલ પણ પૂરતું હોય, નાવિકો પણ વફાદાર હોય તો ય સ્ટીમર લક્ષ્ય સ્થાને પહોંચી ન જતાં કદાચ બીજા જ સ્થાને ચાલી જાય; જો ધ્રુવનો તારો જ ન હોય તો.
સ્ટીમરમાં બીજા બધા વિના ચાલી શકે; પણ હોકાયંત્ર વિના તો ન જ ચાલે. હોકાયંત્રનો પરિપૂર્ણ સંબંધ ધ્રુવના અવિચલ તારા સાથે છે, ભલે એ તારો તદ્દન નિષ્ક્રિય જણાતો હોય પણ એના વિના લક્ષ્યસ્થાને પહોંચવા માટેની તમામ સક્રિયતા અર્થહીન બની જાય છે.
સિદ્ધભગવંતો ધ્રુવના તારા સમા છે. આપણા મોક્ષના લક્ષ્ય સ્થાને પહોંચવામાં એ અત્યંત મદદગાર બની રહે છે. વિનાશી દુનિયા તરફની અવળી દોટને, એમની અવિનાશિતાનો વિચાર જ અટકાવે છે અને યોગ્ય રાહે દોરી જાય છે.
ભલે એ નિષ્ક્રિય હોય, મૂક હોય, નિરીહ હોય પણ એમના જેટલા સક્રિય અને એમના જેટલા સદાના પ્રેરક કદાચ બીજા કોઈ નહિ હોય એમ કહીએ તો તે ખોટું નહિ ગણાય.