________________
નહિ એસો જનમ બાર-બાર
૨૪૧
મકાનનો.... “આ ભ્રાન્તભાને તો જીવાત્માના શુદ્ધ પર્યાયનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. આ ભાન છોડાવવા એને સમજાવો કે, “હું મહેમાન છું, આ જગતનો... મારે આ દ્રવ્યો અને લોકો સાથે કશું ય લાગેવળગે નહિ.'
વિરાગના આવા ભાવો જાગશે ત્યારે જ પેલું શુદ્ધ સ્વરૂપમાન પ્રગટશે; આપમેળે પ્રગટશે. પછી એની ઝાઝી ચિંતા નહિ કરવી પડે.
ઠેકડા મારશો મા! કયાંક હાડકાં ભાંગી જશે.
શાંતિ ક્યાં? દષ્ટિપલટામાં
શાંતિ કોને જોઈતી નથી? બધાની એ ભૂખ છે; સહુની એ અંગે ફરિયાદ છે.
પણ અશાંતિ હાથે કરીને ઊભી કરી છે એ વાત જ્યાં સુધી વિચારવામાં નહિ આવે ત્યાં સુધી શાંતિ પામવાનું શક્ય જ નથી. અપેક્ષાએ જગતમાં બે પ્રકારના સત્યો છે. એક અશાંતિને જગાડતું;
બીજું શાંતિને જન્માવતું. ગુલાબે વળી કાંટા! અફસોસ! આ અશાંતિને જગાડતું સત્યદર્શન છે. કાંટામાંય ગુલાબ! શાબાશ! આ પ્રસન્નતાને ઉદ્દીપિત કરતું સત્ય છે.
શ્રીમંતોની આલમોના સત્ય તરફ નજર કરનારો, દોઢસો રૂપિયાનો પગારદાર નોકર અશાંત થઈ જાય છે. માસિક ઓગણીસ રૂપિયામાં આજીવિકા ચલાવતા કરોડો ભારતીયોની ઝૂંપડીઓના સત્ય તરફ એ નજર કરે તો પરમશાંતિ પ્રાપ્ત કરી લે છે.
અશાંતિનું મૂળ છે; અશાંતિદાતા સત્ય તરફની દૃષ્ટિ
એ દૃષ્ટિને જ પલટી નાખવી જોઈએ. બીજા શાંતિપ્રદ સત્ય તરફ નજર લઈ જવી જોઈએ. બસ; એ સ્થિતિમાં જ કશો ય ફેરફાર કર્યા વિના તરત જ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે.
હાથે કરીને – પેટ ચોળીને શૂળ ઊભા કર્યા છે. હવે દૃષ્ટિ પલટી નાંખો... જીવનમાં બધું ય ભર્યું ભર્યું લાગશે; શૂન્યને બદલે બધે પૂર્ણતાનું ભાન થશે. એ જ કુસુમો હસી ઊઠ્યા દેખાશે, જે કરમાયેલાં દેખાતાં હતાં.