________________
૨૦૬
નહિ ઐસો જનમ બાર-બાર
આરાધકભાવ : આરાધના કરતાં ય મહાન
મોક્ષનું પરમપદ પમાડનાર આરાધકભાવ છે. બેશક, આરાધકભાવ પણ સામાન્ય રીતે દાનાદિથી માંડીને સર્વવિરતિધર્મની આરાધનાથી જ આવી શકે પણ કેટલીક વાર એવું ય બને કે એ બધી સ્કુલ આરાધનાઓ હોવા છતાં આરાધકભાવ ન જ આવ્યો હોય.
અનંતકાળથી અનંત આરાધનાઓ આપણે કરતા આવ્યા છતાં આપણો મોક્ષ નથી થયો એનું કારણ એ જ છે કે એ આરાધનાઓની સાથે આરાધકભાવ ન હતો. કોઈ આરાધના ન હોય તો હજી ચાલે પણ આરાધકભાવ ન હોય તે બિલકુલ ન ચાલે. જેના હૈયે આરાધકભાવ છે એ આત્મા આરાધના કરે એ ખૂબ જ બળવતી બને છે, અને એને વિરાધનાઓ કરવી પડે તો ય એનો આરાધકભાવ એમાં એને એવો ઉદ્વેગ ઉત્પન્ન કરાવે કે એની વિરાધનાઓ નબળી બની જાય. એ વિરાધનાઓ ભવભ્રમણનું પ્રબળ કારણ ન બની શકે. આમ આરાધકભાવના સ્વામીને બેવડો લાભ પ્રાપ્ત થાય છે.
જ્યારે આરાધકભાવ વિનાના આત્માનો બેવડો મરો થાય છે. એની આરાધના સાવ નબળી હોય અને વિરાધનાઓ અત્યંત બળવતી બનતી હોય.
આરાધકભાવ એટલે મોક્ષમાર્ગની જે આરાધનાઓ છે તેને મોક્ષ માટે આરાધવાનો હૈયાનો તીવ્ર અભિલાષ; એવા આરાધકોના સુકૃતોની ભારે અનુમોદના; અને પોતાના વિરાધક જીવનના દુષ્કૃતોની તીવ્ર નિંદા. એવા આરાધકભાવના આપણે સ્વામી બનીએ તો જ અનાદિ ગુલામીમાંથી મુક્ત થઈએ.
ભાવના છતાં અમલ કેમ નહિ?
ધર્મ કરવા માટેની બધી અનુકૂળતા જેને મળી છે; જેને ધર્મ કરવાની ભાવના પણ જાગી છે તે માણસ તેનો અમલ કરવામાં કેમ પાછો પડી જતો હશે ?
તપ કરવાની ભાવના મોળી કેમ પડી જતી હશે ?
દાન-શીલની જાગેલી ભાવનાઓને કોણ ઊંઘાડી દેતું હશે?
મને એમ લાગે છે કે ભાવનાને અનુકૂળ ‘ભાવ’ પણ હોવો જોઈએ. એ ભાવ જો પ્રતિકૂળ હોય તો ઊઠેલી ભાવનાઓ બેસી જાય તો નવાઈ નહિ.