________________
૧૮૨
નહિ એસો જનમ બાર-બાર
હોય તેને.
મહેમાન કોને કહેવાય? જેનું અસ્તિત્વ કામચલાઉ હોય.
આપણે કોણ? માલિક તો નહિ જ; કેમકે કાયમ ખાતે આપણે આ દુનિયામાં રહેવાનું જ નથી. આપણે બેશક મહેમાન; કેમકે આપણું અસ્તિત્વ કામચલાઉ છે. જે ક્યાંકથી આવેલ હોય અને પછી ક્યાંક ચાલ્યો જવાનો હોય તે મહેમાન કહેવાય. આપણેય એવા જ નથી શું? ભમતા ભમતા કયાંકથી આપણે આવ્યા છીએ અને અહીં બધું મૂકી દઈને ક્યાંક જરૂર જવાના છીએ.
આ સત્યને સ્વીકારી લઈને પચાવી નાખીએ અને જો સાચા અર્થમાં મહેમાન બની જઈએ તો, મને તો લાગે છે કે બહુ શાંતિનું જીવન મળી જાય અને ખૂબ મોજનું મરણ મળી જાય. આ બેય સિદ્ધિઓ મોટા કરોડપતિઓને પણ દુર્લભ બની ગઈ છે.
સીધી જ વાત છે ને? કોઈ મહેમાન તમારે ત્યાં આવે ત્યારે તમારા સુખોના માલિક થયા વિના અનાસક્તિ સાથે બધા ભાગ પડાવે; આસાનીથી એ સુખને છોડી દેતાં એને પળની પણ વાર ન લાગે. અને જો તમારા ઘરમાં કોઈ દુઃખ આવ્યું તો તેમાંય તેને કશાય ઝાઝી લેવા દેવા નહિ. અંતરથી એ નિરાળો જ હોય. માલિકને હાયવોયનો પાર ન હોય; મહેમાનને હાયવોયનું નામ ન હોય. આમ સુખમાં અલીન અને દુઃખમાં અદીન બનનારાને તો જીવનમાં કેટલી શાંતિ મળે? પુષ્કળ પાપો ઘટી જતાં મરણમાં કેવી સમાધિ મળે? પછી સદ્ગતિ અંતે મુક્તિ ક્યાંથી છેટી રહે? બોલો, મંજુર છે મારી વાત? તો આજે જ ઘરમાં બધાને ભેગા કરીને કહી દો કે, “આજથી હું તમારો માલિક મટીને મહેમાન બન્યો છું. તમે સહુ તેવા બની જજો.
રાગવિજેતાના સેવકની ખુમારી
જેના ભગવાન રાગ-દ્વેષના વિજેતા હોય એની પોતાની સ્થિતિ શું હોય?
શું રાગાદિમાં એ ખૂબ પ્રેમ સાથે રગદોળાતો હોય? શું રાગાદિને એ સારા માનતો હોય? “રાગ કર્યા વિના તે જિવાય જ નહિ,’ ‘ષ વિના આ દુનિયામાં ચાલે જ નહિ' એવા અધમ કક્ષાના અભિપ્રાયોનો એ સ્વામી હોય ખરો? - જેના, ભગવાન વિજેતા બન્યા તેનો એ ગુલામ બને! તો પછી રાગવિજેતાનો એ સેવક શેનો કહેવાય?