________________
૧૬૦
નહિ ઐસો જનમ બાર-બાર
ન્યાયસંપન્ન ધન કે વૈભવ?
માર્ગાનુસારી જીવનના પાંત્રીસ ગુણોમાં સૌ પ્રથમ ગુણ છે; ન્યાયસંપન્નવૈભવ. સંસારી ધર્માત્માના વેપારમાં ન્યાય (નીતિ) હોવો જ ઘટે. આજીવિકા આદિ માટે એને જ ધનની જરૂર પડે તેની પ્રાપ્તિનો રાહ ન્યાયી જ હોવો ઘટે એમ આ ગુણથી સૂચવાયું છે.
અહીં આપણો પ્રશ્ન એ છે કે ન્યાયથી યુક્ત ધન કહેવાને બદલે વૈભવ કેમ કહ્યો ?
વૈભવ એટલે તો ઠઠારો અથવા મોભો. એને શા માટે સૂચવ્યો? ન્યાયથી ધન કમાવવાની જ વાત કરવાની હતી ને ?
વિચાર કરતાં આ વિશુદ્ધ સત્ય ઉપર સુંદર પ્રકાશ પડે છે. ન્યાયથી સંપન્ન ધન ન રહેતાં વૈભવ કહ્યો એ જ સમુચિત લાગે છે. કોઈ કૃપણ માણસ-અતિ કૃપણ માણસ-ન્યાયથી ધન મેળવતો રહે; અને ભેગું જ કરતો રહે તો તેના ન્યાય સંપન્નધનને ગુણ કેમ કહી શકાય? ધનવાન માણસમાં કૃપણતા હોવી જોઈએ કે ઔદાર્ય ?
આથી જ ધનને સ્થાને વૈભવ કહ્યો. ન્યાયયુક્ત ધનનું વૈભવી જીવન એ પ્રાથમિક કક્ષાના ધર્માત્માનો ગુણ છે.
એક ધર્માત્મા પોતાના મોભાસર રહે; વૈભવપૂર્વક રહે તો એના એ વૈભવને જોઈને લોકો કહેવા લાગે, ‘‘જુઓ ધર્મનો મહિમા! આ ધર્મી માણસને કેવો સુંદર વૈભવ પ્રાપ્ત થયો છે? એને વાડી, ગાડી, લાડી-બધું જ મળ્યું છે... જો ધર્મ કરીએ તો આવો વૈભવ મળે.''
તદ્દન પ્રાથમિક કક્ષાના મુગ્ધ આત્માઓ ધર્મજનના વૈભવદર્શનથી પણ ધર્મમાં જોડાતા હોય તો તેમાં કશું ખોટું નથી.
એમ.ડી. થયેલો ડૉક્ટર, કરોડો રૂપિયાનો માલિક, જો નિત્ય જિનપૂજા કરે તો કેટલાય લોકોના અંતરમાં જિનપૂજાનું મહાગૌ૨વ અંકિત નથી થઈ જતું ? બસ એવું જ અહીં છે, ધર્માત્માના લગ્નાદિના દ્વારા પણ આ અપેક્ષાએ ધર્મ પમાડનારા બને છે.