________________
નહિ એસો જનમ બાર-બાર
સૂત્ર તો માત્ર અર્થનું સૂચન કરે. વિસ્તાર કરવાનું કામ તેનું છે જ નહિ. એ માટે ટીકાઓનો આશ્રય લેવો જ રહ્યો.
તીર્થંકર પરમાત્માના સિદ્ધાંતો
કેટલા બધા વ્યવહારુ છે?
હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, સર્વ જીવોને પોતાના જીવની સમાન જોવા, મોક્ષપદ પ્રાપ્ત કરવું, કર્મમુક્ત થવું, સુખમાં લીન ન થવું, દુઃખમાં દીન ન બનવું.... આવી આવી તો આદર્શોની હજારો વાતો તીર્થંકરદેવે સર્વ જીવોના કલ્યાણ માટે કરી છે પણ આ બધા આદર્શો પગ વિનાના-હવામાં અદ્ધર ઊડતાં જ રાખ્યા નથી પણ એ બધાયને આચારની ધરતી ઉપર સ્થિર કરી દીધા છે. જીવનમાં ગુણોને વિકસાવવાના અને અવગુણોની હકાલપટ્ટી કરવાના તમામ આદર્શોને સંપૂર્ણ રીતે વ્યવહારુ બનાવી દેવાય તે માટે ઘરબારી મટીને સર્વવિરતિધર સાધુ બનવાનું ફરમાવ્યું. એ જીવનના ખાનપાનની, કપડાંલત્તાની, હરવાફરવાની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે વ્યવહારુ કક્ષામાં રમતી કરી દીધી. અરે! શું બોલવું? શું ખાવું? શું વાંચવું? શું ભણવું? કેવી રીતે સૂવું? શી રીતે શોચક્રિયા કરવી? શી રીતે શ્વાસોચ્છવાસાદિ લેવા? પૈસા સાથે કેવે સંબંધ રાખવો? ગૃહસ્થો સાથે કેટલો વ્યવહાર રાખવો? વગેરે વગેરે તમામ વસ્તુઓ બતાવી દીધી!
એવી અનુપમ ગૂંથણીથી સાધુ જીવન તૈયાર કરીને આપી દીધી કે આજના ભયાનક મોંઘવારીના, કરભારણના, રાજકીય આંધીના, લુચ્ચા અને હલકા માણસોના કાળમાં પણ એ જીવનને કોઈ આંચકો પણ આવી શક્યો નથી!
જે આ જીવનને જીવનમાં ઉતારી ન શકે એને માટે સંસારી તરીકેનું શ્રાવક જીવન પણ એ પરમાત્માએ બતાવી દીધું છે! જેમાં જન્મ, લગ્ન, શિક્ષણ, અર્થોપાર્જન વગેરે મરણ સુધીની તમામ બાબતોને જણાવીને એમાં પણ મોક્ષ સુધીના તમામ આદર્શોને વ્યવહારુ બનાવીને કમાલ કરી નાંખી છે.
રક્ષક જ ભક્ષક
બનશે કે?
ઉગ્ર સાધના કરીને અરિહંત પરમાત્માએ સર્વ જીવનું કલ્યાણ કરે એવું શાસન સ્થાપ્યું. નિગોદમાં રહેલા જીવની પણ કરુણા કરવાનું ફરમાવીને પરમાત્માએ પોતાનું શાસન ત્યાં સુધી ફેલાવ્યું છે.