________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૦૩
એ સંસારને હેય માને; ત્યાગી ન શકે છતાં એવા સંસારને ઉપાદેય માનવા છતાં અધમ ઉપાયોથી પ્રાપ્ત કરવા માટે તો બિલકુલ તૈયાર ન હોય તે માર્ગાનુસારી; પ્રથમ ગુણસ્થાનનો માલિક.
અને ગમે તેવા ઉપાયોથી પણ સંસારની મોજ માણવાની ઈચ્છાવાળા આત્માને તો પહેલું પણ ગુણસ્થાન ન કહેવાય. એને તો અખાડાનું જ ગુણસ્થાન બક્ષિસ કરવું રહ્યું.
જેઓ પોતાને શ્રાવક કહેવડાવે છે તેઓ ક્યાં ઊભા છે? ગમે તે રસ્તેથી પૈસો કમાઈ લેવો અને સંસારની મોજ માણવી એ વૃત્તિ તો તેમનામાં ન જ હોય ને?
એમને તો પૈસો વગેરે ઉપાદેય લાગે જ નહિ ને?
સંસારમાં રહેવાના કારણે પૈસો ભલે કદાચ એમને જોઈએ પરંતુ એમને એ પૈસો ગમે તો નહિ જ ને?
દરદીનો જ વિચાર કરો ને? એને દર્દનાશ માટે દવા જોઈએ ખરી પણ તે દવા ગમે ખરી? કાયમ લીધા કરવાનું મન હોય ખરું? ભલેને તે દવા ગમે તેટલી ગળી હોય!
ભયંકર ટેવ પડી જવાના કારણે આફરો દૂર કરવા માટે કેન્સર થયા પછી પણ એ માણસને બીડી પીવા જોઈએ તે બને પરંતુ એ બીડી એને ગમે ખરી? કેન્સરમાં વધારો કરનાર બીડી છે એવું જાણ્યા પછી પણ !
ગુમડાની પીડાને શાંત રાખવા મલમ ચોપડાય છે, પણ મલમના લપેડા થતા નથી.
જે શ્રાવક છે તેનો સંસારભોગ પણ મલમ ચોપડવા જેટલો જ હોય, એના લપેડા તો ન જ હોય; કેમકે એને “મલમ' ગમતો જ નથી.
ધનથી ચંપલ જ મળે, પગ નહિ
હૈયે હૈયે ધનની પ્રતિષ્ઠા સ્થિર થતી ચાલી છે. સંતો એ પ્રતિષ્ઠાનો ભૂકો બોલાવીને ત્યાં ધર્મની પ્રતિષ્ઠા કરવા બહાર પડે છે.
આ તુમુલ અનાદિકાળથી ચાલ્યું આવે છે. જગતનું ધનપ્રતિષ્ઠાનું કાર્ય જ અતિભયાનક છે, કેમકે ધનથી સઘળું જગત મળી શકતું જ નથી. ભૌતિક સુખોની દૃષ્ટિએ વિચારીએ તો પણ ધનથી કાંઈ તમામ સુખો પ્રાપ્ત થતા જ નથી. એ સુખો