________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલેલા પારિજાત વૃક્ષ જેવા તેઓ શાંત અને પ્રસન્ન દેખાતા હતા. એમનો અવાજ મધુર હતો. ગંભીર હતો. એમને જોતાં જ મારું હૃદય અનેકવિધ ભાવોથી... નદીનાં પૂર જેવું ઊભરાઈ ગયું. હું એમને મારા ભગવાન માનતો હતો. એમાં અતિશયોક્તિ નથી. તેઓ મારા અને મયણાના અંતર્યામી છે. નહિતર તેઓ મારા માટે સિદ્ધેશ્વર મુનિની આગળ મારી ઉન્નતિની વાત શી રીતે કરે? હું કંઈ પણ બોલું એ પૂર્વે તો ગુરુદેવે કહ્યું :
વત્સ, તારો સંકલ્પ સાચો છે, તારું ભવિષ્ય મને પ્રત્યક્ષ ઉજ્વલ દેખાય છે. માતાના આશીર્વાદ ગ્રહણ કરીને, મયણાની શુભકામનાઓ લઈને શુભ દિવસે પ્રયાણ કરી દેવું જોઈએ.'
મારું મન દૈતમાંથી અદ્વૈતમાં સરી પડ્યું. વિચારોનું તુમુલ યુદ્ધ શાંત થઈ ગયું. મેં ગુરુદેવની પ્રેરણા અંતઃકરણમાં ઝીલી લીધી.
ત્યાં સિદ્ધેશ્વર મુનિવર મારી પાસે આવીને ઊભા રહ્યા. તેઓ ભાવવિભોર હતા. મારા પ્રત્યે અપાર સ્નેહ વહેતો મેં અનુભવ્યો. એમના વિશુદ્ધ સ્નેહનો જાણે મને સ્પર્શ થતો હતો. તેઓ બોલ્યા :
કુમાર, ધર્મને હૃદયમાં ધારણ કરીને શૂરવીર પુરુષ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને સાધે છે. વિપુલ અર્થ-કામની પ્રાપ્તિ થયા પછી, એનો પરિભોગ કર્યા પછી એ નિષ્કામ.. નિસ્પૃહ બને છે. પછી એના જીવનમાં મોક્ષ-પુરુષાર્થ આરંભાય છે, કે જે આ મનુષ્યજીવનનું અંતિમ લક્ષ્ય છે.”
શ્રી સિદ્ધચક્ર સર્વત્ર અને સર્વકાળ તારી રક્ષા કરશે અને તારા આ ભગવાન...” સિદ્ધેશ્વરની આંખોમાંથી આંસુની ધારા વહી રહી... “તારા આ ભગવાન સદૈવ તને આશીર્વાદ આપતા રહેશે!'
૨૭૭
For Private And Personal Use Only