________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તો એ આશ્રમ શ્રેષ્ઠ છે. અજિતસેન ત્યાં પહોંચી નહીં શકે.' આવશ્યક સૂચનાઓ આપી મહામંત્રી ચાલ્યા ગયા. હું સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ... સુખનું સપનું પૂરું થઈ ગયું હતું. દુ:ખની અંધારી રાત મારી સામે હતી... છતાં કાયર બને ચાલે એમ ન હતું.
રાજમહેલમાંથી નગરની બહાર નીકળવાનો ભૂગર્ભ માર્ગ હતો. મને એ માર્ગ મહારાજાએ બતાવેલો. મહામંત્રી પણ જાણતા હતા. મારે કુમારને લઈ મધ્યરાત્રિના સમયે એ ભૂગર્ભ માર્ગે નગરની બહાર નીકળી જવાનું હતું.
મારી અસહાયતા... પામરતા પર બે આંસુ ટપકી પડ્યાં. પણ તરત જ મારી અંદર ખળભળાટ થયો“હું ક્ષત્રિયાણી છું... વળી ચારિત્ર્યશીલ છું! મારે પુત્રની રક્ષા પ્રાણના ભોગે પણ કરવી જ રહી.”
કૃષ્ણપક્ષની ચૌદશની અંધારી રાત.... મારે રાતોરાત અંગદેશના વિકટ અરણ્યમાં ખોવાઈ જવાનું હતું. રાત પછી ધરતી પરપરોઢનું કિરણ ફૂટશે ત્યાં સુધી મારે અત્યંત ગુપ્ત સ્થાનમાં પહોંચી જવું પડશે.
મારાં બાકીના જીવનનાં બધાં સપનાં ધૂળમાં મળી ગયાં હતાં. ઈર્ષાળુ, અહંકારી, દુરાચારી અને રાજ્યલોભી અજિતસેનની ભ્રષ્ટ બુદ્ધિએ મોટો અનર્થ સર્યો હતો.
હું ધીમા પગલે મારા શયનખંડ તરફ ચાલવા લાગી. મારો લાલ શ્રીપાલ પલંગમાં નિશ્ચિતપણે ઊંઘતો હતો. હું એની પાસે જઈને બેઠી એ હવે થોડી ઘડીઓનો જ રાજ કુમાર હતો, મહેલવાસી હતો.. પછી તો શી ખબર એ અને હું ક્યાં હોઈશું? મારે પુત્રની સાથે જાણે ભડભડ બળતી અગ્નિશિખામાં પ્રવેશ કરવાનો હતો.. સાગરના અતળ ઊંડાણ તરફ આગળ વધવાનું હતું. હિંસક પશુઓના જંગલમાંથી પસાર થવાનું હતું. ક્ષણભર હું ધ્રૂજી ઊઠી.. પણ પછી મન મક્કમ કરીને, યોગ્ય સમય આવતાં, મેં શરીર પરથી બધા જ અલંકારો ઉતારી નાખ્યા. માત્ર થોડી સોનામહોરોની કોથળી કમરે બાંધી લીધી. એક તીક્ષ્ણ છરી પણ કમરમાં છુપાવી લીધી.
અજબ દૃશ્યોથી ભર્યો છે મારા જીવન-નાટકનો આ મજાક ઉડાડતો અંક! આંસુને રોક્યાં. હૃદયને પથ્થર જેવું કર્યું અને ઊંઘતા કુમારને મેં મારા ખભે લીધો. એના પર કથ્થાઈ રંગની ચાદર ઓઢાડી દીધી અને મહેલના ગુપ્ત માર્ગમાં મેં પ્રવેશ કર્યો. મેં મારા ઉપકારી ઋષિ ભારદ્વાજનું સ્મરણ કર્યું : ગુરુદેવ! મારા પુત્રની રક્ષા કરજો...”
માણા
૨૫૩
For Private And Personal Use Only