________________
પ્રસન્નતાની ઇમારત, સદ્ગુણોના પાયા પર
પ્રસન્નતાની એક
ઇમારત ઊભી થાય છે અનુકૂળતાની જમીન પર અને પ્રસન્નતાની એક ઇમારત ઊભી થાય છે સદ્ગુણોની જમીન પર.
પ્રથમ નંબરની પ્રસન્નતા હોય છે સંસારી માણસ પાસે, જ્યારે બીજા નંબરની પ્રસન્નતા હોય છે સાધક પાસે. સંયમી પાસે. પ્રશ્ન પૂછો અંતઃકરણને એની પ્રસન્નતાની જમીન કઈ છે ? અનુકૂળતા કે સદ્ગુણો ? જો અનુકૂળતાની જમીન પર જ પ્રસન્નતાની ઇમારત ઊભી
થયેલી હશે તો નિશ્ચિત સમજી રાખજો કે આ ઇમારત કોઈ પણ પળે કડડભૂસ તો થવાની જ છે પરંતુ અંતિમ સમયે ધ્વસ્ત થઈ ચૂકેલી એ ઇમારત દુર્ધ્યાનનો શિકાર બનાવી દઈને આત્માને દુર્ગતિમાં ધકેલી દેવાની છે. સાવધાન!
દોષની સજ્જનતા
ઘરમાં આવી ગયેલ મહેમાન પ્રત્યે તમે ગમે તેટલો અણગમો દર્શાવો, એ મહેમાન જો નફફટ અને નિર્લજ્જ હશે તો તમારા ઘરમાંથી જવાનું નામ જ નહીં લે. પણ સબૂર !
દોષ એક એવો સજ્જન અને ખાનદાન મહેમાન છે કે એક વાર પણ તમે એના પ્રત્યે હૃદયનો અણગમો દર્શાવો, એ તમારા જીવન-ઘરમાંથી રવાના થઈ જવા તુર્ત જ બિસ્તરાપોટલા બાંધવા લાગશે.
કરુણતા આપણાં જીવનમાં એ સર્જાઈ છે કે અણગમો દર્શાવ્યા વિના આપણે દોષના આ મહેમાનને જીવનઘરમાંથી રવાના કરી દેવા ધમપછાડા કર્યા છે પણ એ બધાય ધમપછાડા વ્યર્થ જ ગયા છે. કારણ ? દોષતિરસ્કાર વિના દોષમુક્તિ નથી જ એ અધ્યાત્મ જગતનો વણલખ્યો નિયમ છે. જે દોષે આપણને દુઃખો જ આપ્યા છે એના પ્રત્યે હવે આપણે અણગમો દર્શાવવાનું શરૂ કરશે ખરા?
૩૮