________________
પ્રભુ આપણને સાંભળે જ છે
એક સ્થળે એકદમ સરસ વાક્ય વાંચવામાં આવ્યું હતું. ‘જેણે આપણને કાન આપ્યા છે એ આપણને સાંભળવાનો જ છે.’ તાત્પર્યાર્થ આ વાક્યનો ? આ જ કે તમારી એક પણ સ્તુતિ, એક પણ પ્રાર્થના, અવર્ણવાદનો એક પણ શબ્દ, એક પણ સાવદ્ય વચન, કોઈ પણ પ્રકારની વિકથા, આમાંનું કાંઈ પણ પ્રભુની જાણ બહાર રહેવાનું નથી.
ગલત બોલતા પહેલાં લાખ વાર વિચાર કરજો અને પૂર્ણ શ્રદ્ધા રાખજો કે તમારા દ્વારા સમ્યક્ જે પણ બોલાશે, પ્રભુ એને સાંભળવાના જ છે. ટૂંકમાં, ગલત બોલો જ નહીં, સારું બોલતા જ રહો.
પ્રભુ આપણને જુએ જ છે
એક અન્ય સરસ વાક્ય પણ વાંચવામાં આવ્યું હતું, જેણે તમને આંખો આપી છે એ તમને જોઈ જ રહ્યો છે’ તાત્પયાર્થ આ વાક્યનો ? આ જ કે તમે જાહેરમાં કે ખાનગીમાં, કોઈને ય ખબર ન પડે એ રીતે કે ખબર પડે એ રીતે, અજવાળામાં કે અંધારામાં, સારું કે નરસું, સમ્યક્ કે ગલત જે પણ કરશો એ પ્રભુની નજર બહાર રહેવાનું નથી જ. મનની આ બદમાશી છે કે જો કોઈની ય નજર નથી હોતી તો એને ગલત કરવામાં કોઈ જ વાંધો નથી અને સારું કરવા એ તો જ તૈયાર થાય છે કે જો એના પર કોકની નજર પડતી હોય છે. પણ સબૂર ! આ વાસ્તવિકતા એમ કહે છે સારું કે નરસું, બધું
જ પ્રભુ જોઈ રહ્યા છે. નરસું કરશો જ નહીં, સારું કર્યા વિના રહેશોજ નહીં!