________________
Shri Mahavir Jain Aradhana Kendra
ફર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पतङ्गभृङ्गमीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ? ।। ७ । । ५५ ।।
જ્ઞાનસાર
અર્થ : જો પતંગિયાં, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ, એક-એક ઇન્દ્રિયના દોષથી મરણરૂપ માઠી દશાને પામે છે, તો દોષવાળી પાંચેય ઇન્દ્રિયો વડે શું ન થાય?
વિવેચન : એક-એક ઇન્દ્રિયની પરવશતાએ જીવાત્માની કેવી કરુણ દુર્દશા કરી છે! પતંગિયાને દીપકની જ્યોતનું રૂપ બહુ પ્યારું લાગે છે... એ જ્યોતની આસપાસ ખુશી મનાવતું નાચે છે... ખૂબ ધૂમે છે... રૂપ પ્રત્યેનો પ્યાર તીવ્ર બને છે... ચક્ષુરિન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલી રૂપપ્રીતિ...રૂપમોહ ... પર પતંગિયાનો કાબૂ રહેતો નથી...તે દીપકની જ્યોતને આલિંગન દેવા દોડી જાય છે... અંગેઅંગ આલિંગન દઈ દે છે... પરંતુ એ આલિંગને અમૃત ન આપ્યું... અગન આપી... પતંગિયું બળીને ખાખ થઈ જાય છે.
પેલો ભોળો ભ્રમર! સુગંધનો ભારે લંપટ! બસ, સુગંધ મળી... બધું ભૂલી જાય. પરંતુ સંધ્યાના ટાણે જ્યારે કમળ બિડાઈ જાય છે... અને પેલો લંપટ ભ્રમર અંદર પુરાઈ જાય છે... ત્યારે એની પારાવાર વેદનાને સગી આંખે જોનાર ત્યાં કોઈ હોતું નથી... એ અભાગીને જ એ વેદનામાં જીવન પૂર્ણ કરવું પડે છે... બીજી પ્રભાતે કમળનાં પડળો ખૂલે છે... એના પ્રમીનો દેહ ભૂમિ પર ઢળી પડે છે... પણ એને ક્યાં પરવા છે? તરત જ બીજો પ્રેમી આવીને બેસી જાય છે! એ પ્રેમી પોતાના પૂર્વપ્રેમી તરફ દૃષ્ટિ સરખી નાખતો નથી... એ જ તો લંપટતા છે!
For Private And Personal Use Only
રસમાં રાજીની રેડ થઈ જનારી માછલીને જ્યારે પેલો માછીમાર કાંટાથી વીંધીને બહાર કાઢે છે... જાળમાં ભેગી કરી પથ્થર પર પટકે છે... ઘેર લઈ જઈ એને છરીથી ચીરે છે...ને કડકડતા તેલમાં તળે છે...ત્યારે એની દશા શી? સ્પર્શેન્દ્રિયના સુખમાં ભાનભૂલા થનાર ગજેન્દ્રને જે સુખના કારણે જ મોતના શરણે જવું પડે છે..અને મધુર સ્વરનું શ્રવણ કરવાના શોખીન હરણિયાને શિકારીના તીક્ષ્ણ તીરના ભોગ બનવું પડે છે.
આ બિચારાં જીવોને તો એક-એક ઇન્દ્રિયની પરવશતા હોય છે... જ્યારે મનુષ્ય તો પાંચેય ઇન્દ્રિયોને પરવશ હોય છે... તેની દુર્દશા કેવી! એક પળ વાર પણ આત્મપ્રસન્નતાનું સુખ નહીં!