________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
જ્ઞાનસાર
यश्चिद्दर्पणविन्यस्तसमस्ताचारचारुधी।
क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ।।८।।३२ ।। અર્થ : જે જ્ઞાનરૂપી દર્પણમાં સ્થાપન કરેલ સમસ્ત જ્ઞાનાદિ પાંચ આચાર વડે સુંદર બુદ્ધિવાળો છે, તે યોગી અનુપયોગી એવા પર દ્રવ્યમાં શું મુંઝાય?
વિવેચન : પોતાના સમસ્ત અવયવોને દર્પણમાં જોઈ મનુષ્ય પોતાની સુંદરતાનો આનંદ અનુભવે છે અને એ સુંદરતા વધારવા...ટકાવવા... તથા સુંદરતા દ્વારા સુખનો અનુભવ કરવા તે બાહ્ય દુનિયામાં જાય છે. અને મોહિત થાય છે.
જે આત્મા પોતાના તમામ અત્યંતર અવયવોને જ્ઞાનના દર્પણમાં જોઈને પોતાની સુંદરતા સમજે છે, તે સુંદરતા વધારવા કે ટકાવવા તેને બાહ્ય દુનિયામાં જવું પડતું નથી... કારણકે એ સુંદરતા બાહ્ય-સાપેક્ષ નથી. એના સુખનો અનુભવ કરવા દુનિયાના બજારમાં ભટકવું પડતું નથી. પછી તે આત્મા શા માટે બાહ્ય પદાર્થોમાં મોહિત થાય?
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ આચાર આત્માના આત્યંતર રમણીય અવયવો છે. પોતાની રમણીયતા પોતે દર્પણના સહારા વિના જોઈ શકતો નથી. જ્ઞાન-આત્મસ્વરૂપ એ દર્પણ છે. એ દર્પણમાં જ્યારે જ્ઞાનાચાર વગેરે આચારોનું સૌન્દર્ય જોવાય છે ત્યારે હૃદય નાચી ઊઠે છે.. પરમ આનંદ અનુભવે છે. તેમાં તલ્લીન બની જાય છે. પછી તો તેને પરદ્રવ્યો ફિક્કાં.નિરુપયોગી અને તુચ્છ લાગે છે. જે દ્રવ્ય ફિક્યું, નિરુપયોગી અને તુચ્છ લાગ્યું તેમાં ચિત્ત મોહિત થાય ખરું? શા માટે મોહિત થાય?
પરદ્રવ્યો ત્યાં સુધી જ ચિત્તને મોહિત-મલિન બનાવી શકે, જ્યાં સુધી, કાચના દર્પણમાં મનુષ્ય પોતાના વ્યક્તિત્વને...પોતાની જાતને સુંદર જોવા પ્રયત્ન કરે છે. આત્મસ્વરૂપના દર્પણમાં જેમ જેમ પોતાના વ્યક્તિત્વને (જ્ઞાન...દર્શન...ચારિત્ર...વગેરેને) જોવા પ્રયત્ન કરે છે તેમ તેમ પરદ્રવ્યોમાંથી તેની આસક્તિ તૂટતી જાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોની સમજણ અને આચરણ જેમ જેમ સુંદર બનતું જાય છે તેમ તેમ આત્મસ્વરૂપની રમણતા વધતી જવાથી પરદ્રવ્યોની આસક્તિ દૂર થાય છે.
* જુઓ પરિશિષ્ટ ૩.
For Private And Personal Use Only