________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
જ્ઞાનસાર
બનાવી છે... પણ હું કહું છું, તમે એ પાળ તોડી નાખો... એ વિના આત્મસરોવરમાં ભરાયેલું પાપનું પાણી બહાર નહીં નીકળે.
એ રમણીય પરિગ્રહ-પાળ પર બેસી સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજકથા કરવામાં તમને મજા આવે છે, ભોળા અજ્ઞાન જીવોના માનસન્માન ઝીલવામાં તમે લીન છો... તમારી એ પરિગ્રહની પાળી પર તમારો ડાયરો જામે છે ને ખુશામતખોરોની વચ્ચે તમે તમારી જાતને મહાન સમજો છો! પરંતુ ભલા, એ યાદ રાખજો કે પાળી પરથી જો લપસ્યા, તો અગાધ પાપ-જલમાં સમાધિ લેવી પડશે... ત્યાં બેઠેલાં ખુશામતખોરોમાંથી કોઈ તમને એ અગાધ જલમાંથી બહાર કાઢવા તમારી પાછળ કૂદી પડવાનો નથી.
પરિગ્રહની પાળ પર ધૂણી ધખાવીને બેઠેલા તમે ત્યાંના શાશ્વત નિયમને જાણો છો? પાળ પર બેસીને જ પાળને તોડવા પ્રયત્ન કરતો નથી તે એ અગાધ પાપજલમાં ફેંકાઈ જાય છે... ભલે તમારો વેશ ત્યાગીનો હોય, ભલે તમારો ઉપદેશ વૈરાગ્યનો હોય, ભલે તમારી ક્રિયાઓ જિનમાર્ગની હોય, ભલે લાખો ભક્તો તમારી જય બોલાવે, ભલે તમે આંખો બંધ કરીનેપદ્માસન લગાવીને ધ્યાન ધરો કે તપશ્ચર્યાનો રેકર્ડ નોંધાવો, પરંતુ આ બધું પરિગ્રહની પાળ પર બેસીને જો કરો છો, તો તેનાથી આત્માને કોઈ લાભ નથી... અંતે તો એ પાળ પરથી લપસવાનું અને અગાધ પાપ-જલરાશિમાં ડૂબી મરવાનું.
પરિગ્રહની પાળ પર બેસી તમે જગતને અપરિગ્રહનો ઉપદેશ આપો છો? સ્વયં એ પાળને તોડી નાખો... પાપનાં પાણી વહી જવા દો... એ ગંદા અને દુર્ગંધ મારતાં પાણી... તમને શું એ પાળ પર બેસીને દુર્ગંધ પણ નથી આવતી? ખેર, ટેવાઈ ગયાં હશો. તમે પણ એવી જગા પર બેસીને સાધુપણાને શા માટે લજવો છો? લો હાથમાં કોદાળા ને પાવડા, તોડવા માંડો એ પરિગ્રહની પાળને! દાંત કચકચાવીને મચી પડો!
જ્યારે પાળ તૂટી જશે...પાપનું પાણી વહી જશે... ત્યારે એ નિર્મળ આત્મસરોવરના આરે ઊભા ઊભા તમે કોઈ જુદી જ અનુભૂતિ કરશો... તમને લાગશે કે અત્યાર સુધી પરિગ્રહમાં સંયમનું અમી શોષાઈ ગયું હતું અને અંતરની કેસર-મહેકતી મહાવ્રતોની વાડી કોઈએ ઉજાડી નાખી હતી... દૃષ્ટિ પર કોઈએ અંધારું આંજી દીધું હતું. સાધના-આરાધનાની સમૃદ્ધ વાડી વેડાઈ ગઈ હતી અને આંગણામાં માત્ર ઝાંખરાં જ એકઠાં થઈ ગયાં
For Private And Personal Use Only