________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
જ્ઞાન સાથે અધ્યાત્મનો પહાડ અનેક વિશેષતાઓથી ભરેલો છે. કૈલાસપહાડ કરતાં અધ્યાત્મનો પહાડ દિવ્ય છે, ભવ્ય છે.
વૃષભ-બળદનું વાહન છે ને તમારી પાસે? વિવેક-વૃષભ પર તમે આરૂઢ છો. તમે સતુ-અસતુનો ભેદ જાણો છો, હેય-ઉપાદેયને ઓળખો છો. શુભઅશુભના તફાવતનું તમને ભાન છે... આ તમારો વિવેકવૃષભ છે.
ગંગા-પાર્વતી ક્યાં છે - એમ પૂછો છો? તમારી બે બાજુ ગંગા-પાર્વતી બેઠેલાં છે. જુઓ તો ખરા, કેવું એમનું મનોહર રૂપ છે! ને તમારો પ્રેમ તે ઝંખી રહી છે.
ચારિત્રકલા એ તમારી ગંગા છે અને જ્ઞાનકલા એ પાર્વતી દેવી છે. હા, પેલી ગંગા-પાર્વતી કરતાં આ ગંગા-પાર્વતી તમને અપૂર્વ, અદ્ભુત સુખ આપે છે. આ બે દેવીઓ નિરંતર તમારી સાથે જ રહે છે અને તમને જરાય દુઃખ પડવા દેતી નથી. તમારાથી અલગ તેમણે પોતાનું અસ્તિત્વ જ રાખ્યું નથી. તમારા અસ્તિત્વ અને વ્યક્તિત્વમાં તેમણે પોતાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વ વિલીન કરી દીધાં છે. આવો દિવ્ય પ્રેમ ધારણ કરતી જ્ઞાનકલા અને ચારિત્રકલા જેવી તમને દેવીઓ મળી છે, હવે જગતની તમને શી પરવા?
કહો મુનિવર, સમૃદ્ધિમાં કોઈ કસર છે? નિવાસ માટે કૈલાસ છે, સવારી માટે મનગમતો વૃષભ છે અને ગંગા-પાર્વતી તમારી પ્રિયાઓ છે. હવે તમારે શું જોઈએ? તમે તમારે ડાકલું વગાડતા જાઓ ને દુનિયાને ધુણાવતા જાઓ!
તાત્પર્ય આ છે : મુનિએ અધ્યાત્મમાં જ રહેવાનું છે. તેમણે “અધ્યાત્મ' ને જ પોતાનું નિવાસસ્થાન માનવાનું. જ્યારે જ્યારે બહાર જવાનું થાય; ત્યારે ત્યારે વિવેક પર જ સવારી કરીને જવાનું. વિવેક વિના બહાર જોવાનું નહીં, જવાનું નહીં. જ્ઞાન અને ચારિત્રના સંગે જ જીવવાનું. જીવનનો આનંદ જ્ઞાન અને ચારિત્રના સહવાસમાંથી જ મેળવવાનો. જ્ઞાન અને ચારિત્રને છોડી બીજી કોઈ વસ્તુમાંથી આનંદ કે સુખ મેળવવા નહીં જવાનું. જ્ઞાન-ચારિત્ર પ્રત્યે પૂર્ણ વફાદારી જાળવવાની. જો આટલી વાતો તમે જાળવી રાખો તો તમારી સમૃદ્ધિમાં ક્યારેય ઊણપ નહિ આવવાની. દુનિયામાં તમારી કીર્તિ ફેલાશે.
શંકરજી! તમે તમારે વૈરાગ્યનું ડાકલું બજાવતા રાગદ્વેષી દુનિયાને ધુણાવતા રહો.
For Private And Personal Use Only