________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
વળગણમુક્તિ અને અંતર્બોધ છીએ, એની ભીતર ડોકિયું કરવાનું ચૂકી જઈએ છીએ. અરે, ક્યારેક તો આપણે માણસ તરફ પણ નથી જોતા, માત્ર એના મોભાને જોઈએ છીએ. રૂપાળી વ્યકિતના સ્વભાવનું સત્ય એના આકારના આવરણમાં દબાઈ જાય છે. વ્યક્તિમાં પડેલી કાર્યદક્ષતાનું સત્ય ક્યારેક એના હોદ્દાની સિનિયોરિટીમાં ગૂંગળાઈ મરે છે. ચેહરા પરની ફિક્કાશનું સત્ય લિપસ્ટિક, લાલી કે મેઇકઅપના થપેડા હેઠળ દબાઈ જાય છે. ક્યારેક એક વિચારવંત માણસને લાધેલું સત્ય, બહુમતીના શોરબકોર હેઠળ હાંફતું થઈ જાય છે.
હવે છેલ્લે આ પત્રમાં મારે “અન્તર્બોધ'ની વાત કરવી છે. આ અન્તર્બોધ (ઇસ્યુઈશન) મનના ઊંડાણમાંથી જ પ્રગટે છે. કશુંક અંદરથી ઊગે ત્યારે માણસ જાણે થોડી પળો માટે અધ્ધર થઈ જાય છે. ક્યારેક અંદરથી સંકલ્પ ફરે છે, વિચાર સ્ફરે છે, ક્યારેક નિર્ણય જડે છે, ઉકેલ જડે છે, માર્ગ મળી આવે છે. પંક્તિઓ ફૂટે છે, પ્રતિમા ઊપસી આવે છે અને કલ્પના પાંગરે છે. આવી પળો અણમોલ ગણાય, આ પળો દિવ્યતાથી મઢેલી હોય છે. ઘણા માણસોને આવી સુંદર પળો ઓચિંતી મળી રહે છે, પરંતુ બહુ ઓછા માણસો આવી સુંદર પળોનો ઉપયોગ-વિનિયોગ જીવનયોગ-જીવનલય માટે કરતા હોય છે. આ જીવતી પળોમાં જે અંતર્બોધ માણસ પામે છે તે પરમેશ્વરના આદેશની ઊંચાઈ ધરાવતો હોય છે. તાણથી જકડાયેલા, ઘોંઘાટમય ઘટમાળિયા અને ઘડિયા જીવનમાં અંતર્બોધનું સૌંદર્ય ખતમ થાય છે અને એ પળો દરમિયાન જે ઊંડી અનુભૂતિ થાય તે પામવાની સંવેદનશીલતા-સંવેદનક્ષમતાનું પોત પાતળું પડી જાય છે.
અંતર્બોધ ઊગે છે આપણી મનોભૂમિ પર, પણ એનું જળ-સિંચન કોઈ રહસ્યમય ચેતનામય ઊર્ધ્વમૂલ શક્તિ દ્વારા થતું જણાય છે.
અંતર્બોધ જ્ઞાનપ્રાપ્તિનું દિવ્ય ઝરણું છે. સાવ નીચલા સ્તરે એ નિર્ણયઉકેલ-વિચાર કે ઝબકારાની કક્ષાએ થતો હોય છે, જ્યારે સાવ ઉપલા સ્તરે મહાન વિજ્ઞાનીઓને પણ મદદરૂપ થાય છે. આવા અંતર્બોધમાં ક્યારેક ગોટાળો, ભ્રમણા, આત્મવંચના કે દંભ ભળી શકે છે. માટે અંતર્બોધને અપ્રદૂષિત રાખવાની શરત એ છે કે માણસ સહજ હોય, પ્રામાણિક હોય અને અંતરથી તૃપ્ત હોય. વ્યવહારશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને સ્થિતપ્રજ્ઞતાના કારણે ઋષિ-મુનિનો અંતર્બોધ અનોખી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપણા અંતર્બોધને નિર્મળપણે જાળવવો એ પણ સાધના છે.
For Private And Personal Use Only