________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૮૫
મયણા સર્વજ્ઞવચનના સહારે જ સ્વસ્થ, નિર્ભય અને નિશ્ચલ રહી શકી હતી. એણે એવાં શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન કરેલું હતું. એના હૈયે પોતાના પિતા પ્રત્યે કોઈ રોષ ન જાગ્યો. એના હૈયે ‘મારું સુખ ચાલ્યું ગયું... મારો ભવ બગડી ગયો...' આવી કોઈ વેદના ન જાગી.
જ્યારે એ પોતાના જ્ઞાની ગુરુદેવ પાસે પહોંચી ત્યારે ગુરુદેવે એને નિર્દોષ, નિષ્પાપ એવી ધર્મારાધના બતાવી, ‘સિદ્ધચક્ર મહાયંત્ર'ની આરાધના બતાવી કે જેમાં હિંસાદિ કોઈ પાપ ન હતું. એ આરાધના દ્વારા મયણાએ પોતાના પતિ ઉંબ૨રાણાનો કોઢ રોગ મૂળમાંથી દૂર કર્યો હતો. આ રીતે તનના અને મનના સર્વે સંતાપોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞવચનરૂપ શાસ્ત્રોમાં છે.
આજના કાળે વિશેષરૂપે, સર્વજ્ઞવચનો સાચું શરણ આપી શકે એમ છે. અનેક દુ:ખ, ત્રાસ, ચિંતાઓ, વ્યથાઓ અને પીડાઓમાં તરફડતા જીવોને સર્વજ્ઞવચન જ બચાવી શકે છે. સાચી શાંતિ, સમતા, તૃપ્તિ અને મનઃ પ્રસન્નતા સર્વજ્ઞવચનરૂપ શાસ્ત્રો પાસેથી જ મળી શકશે. માટે શાસ્ત્રોનો આદર કરવો જોઈએ.
તમે, જો શક્ય હોય તો શાસ્ત્રોની દુનિયામાં વસી જાઓ! દુનિયામાં રહેવા છતાં દુનિયાની ભીડમાંથી બહાર નીકળી જાઓ, ૨ાગી-દ્વેષી અને મોહ-રોગી જીવોનો સંપર્ક ત્યજી દો. તમારી દુનિયા બનાવો શાસ્ત્રોની! ધર્મગ્રંથોની! હા, ધર્મશાસ્ત્રોની પણ એક વિશાળ દુનિયા છે!
અલબત્ત, નવી દુનિયાનો પ્રવેશ, થોડા સમય માટે રોમાંચક અને અટપટો લાગે ખરો, પણ કાળક્રમે ફાવી જાય છે અને રસાનુભૂતિ થતી રહે છે. આ દુનિયામાં એવા શાસ્ત્રજ્ઞાની મહાપુરુષો છે કે જેઓ દિવસરાત જિજ્ઞાસુ જીવાત્માઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવતા રહે છે. તેમના હૃદયમાં વાત્સલ્ય અને કરુણાના ભાવ ભરેલા હોય છે. અધ્યયન કરનારાઓનાં હૃદયમાં ભક્તિવિનય અને વિવેકના ભાવો ઊછળતા હોય છે. ગુરુ-શિષ્યના આ સંબંધોમાં એવા લોકોત્તર સંબંધો હોય છે કે ત્યાં કોઈ સ્વાર્થની ખેંચાખેંચી નથી હોતી કે ગુણ-દોષના ઝઘડા નથી હોતા.
અધ્યયન કરતાં જેમ ખેદ, ઉદ્વેગ કે ઉતાવળ ન કરવી જોઈએ, તેમ અધ્યાપન કરાવતાં પણ થાકવું ન જોઈએ કે રોષાયમાન ન થવું જોઈએ, કારણ કે અધ્યાત્મમાર્ગે ચાલનારા બધા જ જીવો સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા ન હોય. કોઈ અલ્પ સ્મરણશક્તિવાળા હોય, કોઈ અલ્પ શાસ્ત્રજ્ઞાન લેનારા હોય... તે સહુના પ્રત્યે ગુરુનું વાત્સલ્ય, એમની કરુણા નિરંતર વહેવી જોઈએ.
For Private And Personal Use Only