________________
८
કાન્તિલાલ છગનલાલ પંડ્યાએ (એમ. એ.) વીસમી સદીના ત્રીજા પુસ્તકના પહેલા અંકમાં લખ્યો છે, તેમાં સર જગદીશચંદ્રે પ્રાણીઓ અને વનસ્પતિઓનાં લક્ષણોની એકતા પ્રયોગો દ્વારા સિદ્ધ કરી છે, તે સંબંધી કેટલીક હકીકતો ઉપયોગી જાણી અહીં દાખલ કરી છે. ડૉક્ટર બોઝ-“વનસ્પતિઓનાં અને પ્રાણીઓનાં લક્ષણો ભિન્ન ભિન્ન ગણાતાં હતાં. તેમાંનાં ઘણાં લક્ષણો બન્નેયમાં સમાન છે, તેમજ લોખંડ જેવી ધાતુઓમાં પણ સજીવ પદાર્થોનાં લક્ષણો છે’ એમ સિદ્ધ કર્યું છે. આપણી પેઠે તેઓ ટાઢથી ઠરી જઈ મુડદાલ થાય છે, હુંફથી તેજીમાં આવે છે, દારૂ જેવા માદક પદાર્થોથી વધારે ચંચળ થાય છે, અથવા ઘેનમાં પડે છે, ખરાબ હવાથી ગૂંગળાઈ જાય છે, અતિ શ્રમથી થાકી જાય છે, મારવાથી પીડાય છે, બેભાન કરનારી દવાથી મૂર્છા પામે છે, વીજળીથી વિશેષ ચંચળ થાય છે, વરસાદથી સુસ્ત થાય છે. સૂરજની રોશનીથી સ્ફૂર્તિ પ્રગટ કરે છે, અને ઝેર કે બળાત્કારથી પ્રાણ ત્યજે છે, વૃદ્ધિ-ક્ષય, સુખદુ:ખ, ટાઢ-તડકો, થાક-આરામ, નિદ્રા-પોઢણ સર્વ આપણી માફક તેઓ પ્રગટ કરે છે.
અત્યાર સુધી આપણે તેની ભાષા સમજતા ન હતા, આપણાં નેત્રો એની લાગણીઓ જોઈ શકતી ન હતા, તેથી આપણે તેને જડ માનતા હતા, તથા નિર્જીવ કહેતા હતા. હવે ડૉક્ટર બોઝે એમને બોલતા કર્યા છે, કહો કે એમની બોલી આપણને શીખવી છે. વનસ્પતિને એમણે કલમ આપી છે. કલમથી જે પાત્રો લખાય, તેમાં આ બિચારા હવે પોતાનું હૈયું ઠાલવે છે. ડૉ. બોઝે એક યંત્ર બનાવ્યું છે. એક ઝીણી રેશમી દોરી વતી છોડવાનાં પાંદડાંને એક