________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૯૨૦
ત્રણેયે શત્રુઘ્નના મહેલમાં આવ્યા. મંત્રીમંડળને પણ ત્યાં બોલાવ્યું. નગરના અગ્રગણ્ય નાગરિકોને પણ બોલાવ્યા,
સહુ આવ્યા. સહુના મુખ પર ઉદ્વેગ, ગ્લાનિ અને સંતાપ છવાયેલાં હતાં તેમજ લક્ષ્મણજીના મૃત્યુના દુઃખનો આધાત તો હતો જ. શ્રી રામના વ્યામોહનો આઘાત એમાં ઉમેરાયો હતો. રાજ્યવ્યવસ્થા પણ શિથિલ પડતી જતી હતી. દિવસો ૫૨ દિવસો વીતતા જતા હતા. કોઈનું મન રાજકાજમાં લાગતું ન હતું. મંત્રીમંડળ અને નાગરિકોને ઉદ્દેશીને શત્રુઘ્ન બોલ્યા.
‘આર્યપુત્રને સમજાવવા અમે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ ‘સૌમિત્રી મૃત્યુ પામ્યા છે,' આ વાત તેઓ માનતા જ નથી. કંઈ સૂઝ પડતી નથી. કોઈ જ માર્ગ દેખાતો નથી. શું કરવું? જ્યાં સુધી આર્યપુત્ર સૌમિત્રીના મૃતદેહને સોંપે નહીં ત્યાં સુધી ઉત્તરક્રિયા પણ કેવી રીતે કરવી?’
‘આપની વાત સત્ય છે. શ્રી રામચંદ્રજીનો સૌમિત્રી પ્રત્યેનો અવિહડ રાગ દુર્નિવાર્ય છે. તેઓ એક ક્ષણ પણ સૌમિત્રી વિના રહી શકતા નથી.’ મહામંત્રીએ શત્રુઘ્નની વાતમાં સંમતિ બતાવતાં કહ્યું.
‘સમગ્ર નગરમાં શોકમય વાતાવરણ છવાયું છે. સહુના હૃદયમાં શ્રી રામચંદ્રજી પ્રત્યે, સમગ્ર રાજપરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે. આપના દુઃખે પ્રજા દુઃખી છે..' નગરશ્રેષ્ઠીએ સહાનુભૂતિ વ્યક્ત કરી.
હવે શ્રી રામચન્દ્રજીને સમજાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. હવે તો સ્વાભાવિક રીતે જ તેઓ સમજે અને લક્ષ્મણજીના મૃત્યુનો સ્વીકાર કરે, એ જ બરાબર છે ત્યાં સુધી આપણે ધૈર્ય ધારણ કરવું જોઈએ,' બિભીષણે મહામંત્રી સામે જોઈને કહ્યું.
‘એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.' સુગ્રીવે પોતાનો મત દર્શાવ્યો.
શું કરી શકાય? મનુષ્યનો પ્રયત્ન ક્યાં સુધી ચાલે? છેવટે તો દરેક જીવનાં પોતાનાં જ કર્મ નિર્ણાયક બનતાં હોય છે. તેમાં કોઈ પરિવર્તન કરી શકતું જ નથી. સર્વે પ્રયત્ન કરી લીધા પછી જીવની ભવિતવ્યતાના ભરોસે છોડી દેવું જોઈએ, તો જ મનનું સમાધાન થાય. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ન જેવાં મહારથી સમ્રાટો શ્રી રામના વિષયમાં નિષ્ક્રિય અને કિંકર્તવ્યમૂઢ થઈને બેસી રહ્યા અને શ્રી રામ લક્ષ્મણજીના મૃતદેહને ઉપાડી બીજા મહેલમાં ચાલ્યા ગયા. તેઓ લક્ષ્મણજીને જીવંત જ માની રહ્યા છે અને એવો જ વ્યવહાર લક્ષ્મણજીના મૃતદેહ સાથે કરી રહ્યા છે.
સ્નેહનો ઉન્માદ!
For Private And Personal Use Only