________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૪
રાવણે બિભીષણની વાત સાંભળી ન સાંભળી કરી તેને અવગણી નાખી. બિભીષણ જોતો રહ્યો અને રાવણે સીતાજીને પુષ્પક વિમાનમાં ઉપાડીને નાંખ્યાં અને પુષ્પક વિમાનને વિશાળ લંકા ઉપર ઉડાડવા માંડ્યું,
‘સીતે, જો આ મારી લંકા.’
રાવણે પુષ્પક વિમાનને થોડું નીચે લીધું અને સીતાજીને લંકાદર્શન કરાવી, પોતાના વૈભવ અને વિભૂતિથી આંજી નાંખી, વશ કરવાનો પાસો નાંખવા માંડ્યો.
પ્રિયે, જો આ ક્રીડાશેલો છે. અહીં ક્રીડા કરવા માટે દેવો પણ લલચાય છે. મારી સાથે આ ક્રીડાશૈલો ઉપર તું દેવોને દુર્લભ સુખ પામીશ. આ પર્વતોમાંથી વહી જતાં ઝરણાં જોયાં? એનાં મીઠાં પાણી અમૃતને પણ ભુલાવી દે છે. આ ઉદ્યાનોની દુનિયા જો! અહીં લંકાની પ્રજા જીવનની સફળતા સમજે છે. આ જે રત્નો મઢેલા અને રંગ-બેરંગી વેલોથી વીંટળાયેલા મંડપો દેખાય છે તે રતિવેશ્મ છે. અહીં યુવાન હૈયાં ભેટે છે. હે હંસગામિની' તું મારી પ્રાર્થના માની જા અને રતિવેશ્મના વૈભવવિલાસ અને માદકતાનો આસ્વાદ લે.'
કામાવેશના આ પ્રલાપોની અસર સીતાજી પર જરાય ન થઈ! રાવણ ઉન્મત્ત બનીને, કામાવેશની તીવ્રતા અનુભવતો સીતાજીને રીઝવવા લાખ લાખ ઉપાયો કરે છે. સીતાજી શ્રી રામચરણોનું સ્મરણ કરતી, અપૂર્વ ધૈર્યને ધારણ કરતી, જરાય વિચલિત થતી નથી.
લંકાનાં બધાં જ સુરમ્ય સ્થાનો બતાવીને, રાવણે પુષ્પક વિમાનને દેવમણ ઉદ્યાનમાં ઉતાર્યું. સીતાજીને ત્યાં મૂકી, રાવણ પોતાના મહેલમાં ગયો.
રાવણનું મન ખિન્ન થઈ ગયું. પરંતુ તે ધારતો હતો કે ‘સીતાની હઠ ક્યાં સુધી ટકવાની છે? આજે નહીં તો કાલે, બે-ચાર દિવસ કે બે-ચાર મહિના પછી પણ એને માન્યે જ છૂટકો! હું એને મનાવી જ લઈશ. હું તેને ખાતર મારું માન મૂકી દેવા તૈયાર છું, તેને ખાતર સર્વસ્વ ખોવા તૈયાર છું.’
રાવણને બીજું કંઈ સૂઝતું નથી. ક્યાંથી સૂઝે? પ્રબળ કામવાસનાથી ઘેરાયેલા પામર પ્રાણીને બીજું કંઈ જ ન સૂઝે, એ સ્વાભાવિક છે.
બિભીષણ રાવણના દુષ્ટકૃત્ય તરફ ધૂંધવાઈ ગયો. તેના દેખતાં જ સીતાજીને પુષ્પક વિમાનમાં બેસાડી, તેને લંકાદર્શન માટે લઈ ગયો. બિભીષણને આથી સખત આંચકો લાગ્યો. તે ઉદ્યાનમાંથી પોતાના મહેલે આવ્યો. તેણે મનોમન નિર્ણય કર્યો કે ‘મારે આ સતી સ્ત્રીને બચાવી લેવી જોઈએ. એ માટે મારે તાત્કાલિક પ્રયત્નો આદરી દેવા જોઈએ. વડીલ બંધુને સલાહ આપવાનો કોઈ
For Private And Personal Use Only