________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૮
જૈન રામાયણ તો... પછી આપ.?' વિશલ્યા સંકોચાઈ. “હું” હું હંમેશાં આર્યપુત્રનો ચરણસેવક જ રહેવા ચાહું છું. એમની સેવા, એમની આજ્ઞાનું પાલન એ જ મારું જીવન છે.' લક્ષ્મણજીએ વિશલ્યાની સામે જોયું. ક્ષણવાર મૌન રહી, વિશલ્યાના મનોભાવ જાણી, લક્ષ્મણજીએ કહ્યું :
મારા જીવનનો મેં બીજો કોઈ આદર્શ ઘડ્યો નથી. મારી અને આપણી બધી ચિંતા આર્યપુત્ર કરે છે, પછી આપણે શા માટે વિચારવું? મને રાજા બનવાની ઇચ્છા કે વિચાર, હજુ સુધી જાગ્યો નથી. હું પ્રસન્ન છું. તારે પણ એ જ રીતે પ્રસન્ન રહેવાનું છે. કોઈ પણ બીજી આકાંક્ષામાં ખેંચાઈને, અશાંત ન બનીશ.”
લક્ષ્મણજીની પ્રસન્નતાનું મૂળ આ નિરાકાંક્ષદશા હતું. તેથી જ તેઓ શ્રીરામના આજ્ઞાકારી અને વિનયકારી બની શક્યા હતા. રાજ્યસત્તાની ભૂખ જો તેમને જાગી હોત તો? રામ-લક્ષ્મણની જોડી અખંડ ન રહી શકી હોત. વ્યક્તિગત સુખની તમન્ના હોત તો શ્રી રામ અને સીતા પ્રત્યેનાં કર્તવ્ય તેઓ ન બજાવી શક્યા હોત. મનુષ્ય જ્યારે પોતાના જ સુખદુઃખનો વિચારક બની જાય છે ત્યારે પરિવારથી નિરપેક્ષ બની જાય છે, સમાજથી નિરપેક્ષ બની જાય છે, ધર્મથી અને રાષ્ટ્રથી નિરપેક્ષ બની, એક માત્ર પોતાના સ્વાર્થમાં લીન બની જાય છે. તે સમાજ, પરિવાર, ધર્મ અને રાષ્ટ્ર માટે ખતરનાક બની જાય છે.
લક્ષ્મણજીએ પોતાના અંગત સુખો માટે કે અંગત દુઃખો માટે ક્યારેય ફરિયાદ કરી ન હતી, માટે તેઓ પ્રસન્ન હતા. વિશલ્યાને પણ તેમણે પોતાનો આદર્શ સમજાવ્યો. બીજાંનાં સુખ માટે દુ:ખ સહી લેવાનું જ્ઞાન એમણે એવું પચાવેલું હતું કે તેમને એ દુઃખમાં પણ ક્યારેય અશાંતિ થઈ ન હતી. વનવાસમાં, લંકામાં સર્વત્ર તેઓ કર્તવ્યપરાયણ રહ્યા હતા.
લક્ષ્મણજીની આ પ્રસન્નતા અને કર્તવ્યનિષ્ઠામાં એક મહાન તત્ત્વ કામ કરતું હતું. શ્રી રામ અને સીતાનું અનન્ય વાત્સલ્ય, પરમ વિશ્વાસ અને અદ્ભુત પ્રેમ!
જે વખતે લક્ષ્મણજી યુદ્ધમાં મૂચ્છિત થઈ ગયા હતા, રાવણની અમોધવિયા શક્તિથી લક્ષ્મણજી બેહોશ બની ગયા હતા ત્યારે શ્રી રામનો કલ્પાંત, ધમપછાડા અને લક્ષ્મણજી સાથે બળી મરવાનો સંકલ્પ, આ બધું પાછળથી જ્યારે લક્ષ્મણજીએ જાણ્યું હશે ત્યારે શ્રી રામ પ્રત્યેના એમના સ્નેહમાં કેવી ભરતી આવી હશે?
આ બધું લક્ષ્મણજીએ વિશલ્યાને નહીં કહ્યું હોય? ત્યારે વિશલ્યા લક્ષ્મણજીના વિચારો સાથે સહમત નહીં થઈ ગઈ હોય?
For Private And Personal Use Only