________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૨ -
સીતાનું અપહરણ - લક્ષ્મણને આવી જવા દો, મારો એ પરાક્રમી... મહાવીર ભ્રાતા ગમે ત્યાંથી આર્યાને શોધી કાઢશે, કોઈ દેવ કે અસુર આર્યાને આકાશમાં લઈ ગયો હશે, લક્ષ્મણ એનો પરાભવ કરી આર્યાને લઈ આવશે. કોઈ ભૂત-વ્યંતર પાતાલમાં લઈ ગયો હશે... લક્ષ્મણ એને ચૂર-ચૂર કરી આર્યાને લઈ આવશે. કોઈ દુષ્ટ મનુષ્ય કે વિદ્યાધરે દેવીને ઉપાડી જવાની ધૃષ્ટતા કરી હશે, લક્ષ્મણ એના ટુકડા કરી સમુદ્રમાં ફેંકી દેશે અને આર્યાને લઈ આવશે. મારો લક્ષ્મણ... હા, એ જ્યારે અહીં આવશે. એ જાણશે કે મૈથિલીનું અપહરણ થઈ ગયું છે... એ બેહોશ બની જમીન પર તૂટી પડશે. ક્રોધથી એ ધમધમી ઊઠશે.. એના આવેશથી પૃથ્વી કંપી જશે..!
પણ, સીતાનું અપહરણ કરવાનું શું પ્રયોજન હશે? શું પેલી માયાવિની મારી સાથે લગ્ન કરવા આવેલી, મેં લક્ષ્મણ સાથે પરણવાનું કહી એની મજાક ઉડાવેલી, એ રોષે ભરાઈને ગયેલી, એનું તો આ કામ નહીં હોય? સ્વમાનભંગનો બદલો લેવા તો એણે આ કામ નહિ કર્યું હોય ને? ભલે, એના પાપનો બદલો એને મળી રહેશે.”
શ્રી રામનું મન સીતાજીના વિચારોથી ઊભરાઈ રહ્યું હતું. રોજની આનંદગુંજતી ગુફા, કિલ્લોલ કરતાં પક્ષીઓ, અહીંતહીં દોડતાં હરણો બધું આજે શૂન્ય હતું. સીતા વિનાની ગુફા જોઈ હરણોનાં મુખ પ્લાન બની ગયાં હતાં. તે શોકમગ્ન રામ સામે દીન બની ટગર ટગર જોઈ રહ્યાં હતાં. પક્ષીઓ મૌન બની સીતાવિરહની વ્યથા અનુભવી રહ્યાં હતાં. બીજું તો ત્યાં કોણ હતું કે જે શ્રી રામના દુ:ખમાં સહાનુભૂતિ બતાવે? અને સહાનુભૂતિ બતાવનાર પણ શ્રી રામના દુઃખને દૂર કરવા શક્તિમાન ક્યાં હતાં!
શ્રી રામને પણ દુઃખ? જે પુરુષોત્તમ હતા, જે અજોડ બલી અને મહાન પુણ્યશાલી હતા તેમને પણ દુઃખ! અયોધ્યાથી હજારો માઈલ દૂર, ક્યાં અયોધ્યા ને ક્યાં દંડકારણ્ય! દંડકારણ્યમાં પણ જાણે અયોધ્યા વસી ગઈ હતી, પરંતુ એ અયોધ્યાને રાવણે લૂંટી, બરબાદ કરી અને શ્રી રામના જીવન પર દુઃખની કણ છાયા આવી ગઈ.
જીવન સાથે જાણે દુઃખ જડાયેલું હોય છે! દુઃખ વિનાનું જીવન આ પૃથ્વી પર તો નથી, મોક્ષમાં એવું જીવન છે, એમ કેવળજ્ઞાની ભગવંત કહી ગયા છે, પણ મોક્ષનો માર્ગ? કેવો વિકટ, અટપટો અને કષ્ટસાધ્ય છે!
શ્રી રામને વિચારોનો એક આંચકો આવ્યો ને તેઓ ખળભળી ઊઠ્યા.
For Private And Personal Use Only