________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૪૮૯ પ્રકારની બીભત્સતા અને કુરૂપતા હતી! દશરથનું મન એ ભોગ-એશ્વર્ય અને સત્તા-મહત્તાની મૂર્તિને તોડી નાંખવા વિગ્રહશીલ બની ગયું.
તે દિવસથી અપરાજિતા વગેરે રાણીઓએ જોયું કે મહારાજા દશરથ ભોગથી વિરક્ત બનતા જાય છે. તે દિવસથી શ્રી રામ-લક્ષ્મણ વગેરેએ અનુભવ્યું કે દશરથ રાજ કાજથી અલિપ્ત બનતા જાય છે. તેમણે રાજસભામાં બહુ થોડી હાજરી આપવા માંડી. રાજ્ય અંગેનાં લગભગ તમામ કાર્ય શ્રી રામને સોંપી દીધાં. લોકસંપર્ક ઘણો ઓછો કરી નાખ્યો. કેટલોક કાળ આ રીતે વીત્યો. એક દિવસ વનપાલકે આવીને વધામણી આપી.
મહારાજા, ઉદ્યાનમાં એક મહાત્મા પધાર્યા છે. સાથે અનેક સાધુઓ છે. મહાત્માનું નામ “સત્યભૂતિ' છે. સાંભળ્યું છે કે એ મહાત્મા બીજા મનુષ્યના મનની પણ વાતો કહી દે છે. દૂરદૂરના પ્રદેશને જોઈ શકે છે. તેમનું જ્ઞાન દિવ્ય છે. જન્મજન્માંતરની વાતો પણ તેઓ કહી શકે છે.”
મહારાજાએ વનપાલકને ઉત્તમ વસ્ત્રાલંકારોનું દાન દીધું. વનપાલક રાજી થઈને ગયો. મહારાજાએ રામ-લક્ષ્મણને સમાચાર મોકલીને ઉદ્યાનમાં જવાની તૈયારી કરવા સૂચવી દીધું. અલ્પ સમયમાં સમગ્ર રાજપરિવાર તૈયાર થઈને આવી ગયો. રથ તૈયાર હતા. પરિવાર સહિત દશરથ ઉદ્યાનમાં આવી પહોંચ્યા.
એક વિશાળ અશોકવૃક્ષની નીચે મહાત્મા સત્યભૂતિ બિરાજ્યા હતા. આજુ બાજુના અનેક મુનિવરો વિનયપૂર્વક સત્યભૂતિનાં વચનામૃતનું પાન કરી રહ્યા હતા. દશરથ પરિવારે વિનયપૂર્વક વંદના કરી. મહાત્મા સત્યભૂતિએ ધર્મલાભના આશીર્વાદ આપ્યા. દશરથના શરીરે રોમાંચ થઈ રહ્યો હતો. તેમનું હૃદય આનંદથી ઉલ્લસિત બની ગયું હતું. સત્યભૂતિની સામે મહારાજા બેસી ગયા. તેમની પાછળ રામ-લક્ષ્મણ-ભરત અને શત્રુઘ્ન બેસી ગયા. તેમની બાજુમાં અપરાજિતા વગેરે સ્ત્રીવર્ગ બેસી ગયો. એક બાજુ મંત્રીગણે જગા લીધી. જોતજોતામાં અયોધ્યાના સેંકડો રથપતિ, સાર્થવાહપુત્રો અને કુલવધૂઓથી ઉદ્યાન ભરાવા માંડ્યું. મહામુનિએ ધર્મદેશના શરૂ કરી.
૦ ૦ ૦. ચન્દ્રગતિ ભામંડલને લઈ રથનૂપુર પહોંચ્યા. પરંતુ ભામંડલના મનમાં ઘોર નિરાશા અને વિષાદ છવાઈ ગયાં હતાં. ચન્દ્રગતિએ એને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેનો કોઈ પ્રભાવ ભામંડલ પર ન પડ્યો. ભામંડલની માનસિક બીમારીએ ચન્દ્રગતિના પરિવારનાં સુખ-શાન્તિ હણી લીધાં.
For Private And Personal Use Only