________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં કરવાના.’ભ્રકુટી ચઢાવીને કુંભકર્ણે જ્યાં કહ્યું ત્યાં ખડખડાટ હાસ્યથી સુમાલીનો ખંડ ભરાઈ ગયો.
ત્રણેય પૌત્રોને પોતાની પડખે બેસાડી, ત્રણેયનાં સોનેરી જુલ્કાં પર હાથ ફેરવતાં વૃદ્ધ સુમાલીએ ગંભીર ધ્વનિએ કહ્યું.
‘બેટાઓ! વિદ્યાસિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે રમત રમવાની વાત નથી, હોં! વિદ્યાસિદ્ધિ માટે તો દૃઢ મનોબળ જોઈએ, ખૂબ ધૈર્ય જોઈએ. એનો એ અર્થ નથી કે તમારામાં દૃઢ મનોબળ અને ધૈર્ય નથી; મને તમારામાં પૂર્ણ વિશ્વાસ છે, છતાં તમારે એ વાત તો ખ્યાલમાં જ રાખવાની કે વિદ્યાઓ જ્યારે તમને સિદ્ધ થવાની તૈયારીમાં હશે ત્યારે તમારી કપરી કસોટીઓ થશે. તમારાં લોખંડી ચિત્તને પણ વિચલિત ફરી નાંખનારા ઉપદ્રવો થશે. તમારા પહાડી દેહને પણ ધ્રુજાવી નાંખનારાં દૃશ્યો તમારી સમક્ષ રજૂ થશે, એમાં જ્યારે તમે લેશમાત્ર પણ ચંચળ નાંહે બનો અને મંત્રજાપમાં મેરુવત્ નિશ્ચલ રહેશો ત્યારે વિદ્યાઓ તમારા ગળામાં વરમાળા આરોપશે.' શ્વાસ ભરાઈ જતાં સુમાલી અટક્યા. ગળું ખોંખારી, ઝીણી આંખોને ખેસથી લૂછી નાંખી, ત્રણેય કુમારોની મુખમુદ્રાને નિહાળી પુનઃ વાત આગળ ચલાવી.
‘મારા પ્રિય પુત્રો! મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે કે તમે જરૂર વિદ્યાઓ સિદ્ધ કરી શકશો, પરંતુ ભગવાન શાંતિનાથના પુણ્યનામનું સ્મરણ કરીને પછી અહીંથી નીકળજો. વળી હા, એક વાત તો ભૂલી જ ગયો. તમારી માતાની અનુજ્ઞા લીધી તમે?”
'હા બાપુજી, પહેલાં ત્યાંથી રજા લઈને જ પછી અહીં આવ્યા છીએ,' નાના બિભીષણે તરત જ જવાબ વાળ્યો.
‘બહુ સરસ! માતા-પિતાની અંતઃકરણની આશિષ મેળવનાર જ મહાન કાર્યો સિદ્ધ કરી શકે છે! જાઓ વહાલા પુત્રો! તમારા કાર્યને તમે સિદ્ધ કરો, એમ કહી વયોવૃદ્ધ સુમાલીએ ત્રણેયને પોતાના બાહુપાશમાં લઈ, તેમના મસ્તકે સ્નેહ-ચુંબન કર્યાં.
ત્રણેય ભાઈઓ પિતામહ પાસેથી પિતાજી પાસે ગયા. ચરણોમાં નમસ્કાર કરી, પિતા રત્નશ્રવાના પણ આશીર્વાદ મેળવ્યા.
આખા રાજમહાલયમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. સ્નેહીજનોનાં ટોળેટોળાં ત્રણેય રાજપુત્રોને વિદાય આપવા માટે એકઠાં થવા લાગ્યાં. નગરજનો પણ પ્રિય કુમારોના વિદ્યાસિદ્ધિ માટેના પ્રયાણમાં શુભેચ્છાઓ વ્યક્ત કરવા રાજમાર્ગો ૫૨ ઊભરાવા લાગ્યાં.
For Private And Personal Use Only