________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
८०
ત્યાં એક ધસમસતો મલિન પાણીનો પ્રવાહ રાવણની આસપાસ ફરી વળ્યો. પરમાત્મા શ્રી જિનેન્દ્રદેવની પ્રતિમા પર પણ એ મલિન જલે આક્રમણ કર્યું. રાવણે ભાવભક્તિથી કરેલી પૂજા જોતજોતામાં નષ્ટભ્રષ્ટ થઈ ગઈ. પ્રશાન્ત સમાધિસ્થ રાવણ, આમ અચાનક આવી પડેલી આફતથી ધમધમી ઊઠ્યો. પરમાત્માની પૂજાનો નાશ એને માથું કપાવવાથી પણ અધિક લાગ્યો. છંછેડાયેલા કેસરી સિંહની જેમ રાવણે ત્રાડ પાડી.
‘કોણ એ દુષ્ટ દુશ્મન પાક્યો છે? કોણે આ અરિહંતદેવની પૂજામાં ભંગ પાડી મોતનો ખોફ વહોર્યો છે?’
બહાર અચાનક ધાંધલ મચી ગયેલી જોઈ અને એમાંય રાવણનો ધ્રુજારીભર્યો અવાજ સાંભળી કુંભકર્ણ, બિભીષણ વગેરે દોડતા રાવણની પાસે આવી ઊભા. રાવણે રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું.
‘કર્યો એ મિથ્યાત્વી રાજા છે? કો પાપી વિદ્યાધર, અસુર કે સુર પાક્યો છે?' કોણ જવાબ આપે? બધા અંદર સમસમી રહ્યા.
ત્યાં એક વિદ્યાધર સુભટ બોલ્યો :
‘દેવ! અહીંથી કેટલાક ગાઉ દૂર ‘માહિષ્મતી’ નામની નગરી છે. તે નગરીમાં ‘સહસ્રકિરણ’ નામનો પરાક્રમી અને પ્રસિદ્ધ રાજા છે. હજારો રાજાઓ એની સેવા કરે છે. અત્યારે તે નગરીમાં જલક્રીડામહોત્સવ ચાલી રહ્યો છે. રાજાએ જલક્રીડા કરવા માટે રેવાનાં પાણી સેતુબંધ કરીને આવર્યાં છે. એમાં પોતાની એક હજાર રાણીઓની સાથે તે સ્વૈચ્છિત ક્રીડા કરી રહ્યો છે. બંને બાજુના કિનારે લાખ લાખ રક્ષક સુભટો શસ્ત્રસજ્જ બનીને સહસ્રકરણની સંભાળ રાખી રહ્યા છે. જલક્રીડા કરતાં કરતાં પાણી ઊભરાય છે, ખૂબ પાણી ભેગું થતાં બંધને છોડી દે છે. હે સ્વામી! આ પૂર જે આવ્યું છે તેમાં આ જ કારણ છે! એ જ જલક્રીડાનાં મલિન થયેલાં પાણી અહીં ધસી આવ્યાં છે અને જિન પૂજામાં ભંગ પડ્યો છે. જુઓ, રેવાના તીર પર, સહસ્રકિરણની રાણીઓનાં અંગ પરથી ઊતરેલાં પુષ્પો, વિલેપનો, નિર્માલ્ય દેખાઈ રહેલ છે.
વિદ્યાધર સુભટની વાત સાચી હતી. પાણી શરીરના મેલથી ડહોળાયેલું અને હજારો ઊતરેલી પુષ્પમાળાઓથી યુક્ત દેખાતું હતું. સુભટની વાત સાંભળી રાવણ ઉશ્કેરાયો. અગ્નિમાં આહુતિ અપાઈ!
અહો, કેવી એ સહસ્રકિરણની ધૃષ્ટતા? મલિન પાણીથી એણે આ જિનપૂજાનો ભંગ કર્યો... જાઓ, એ અભિમાની રાજાને બરાબર બાંધીને મારી સમક્ષ હાજર કરો....
For Private And Personal Use Only