________________
મહા પ્રભાવક આચાર્ય ભગવંત સુમંગલસૂરિજી !
તમારી પ્રભાવકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે તમે ૫૦૦-૫૦૦ શિષ્યોના ગુરુપદે બિરાજમાન છો. તમારી સંયમશુદ્ધિ, તમારી આશ્રિતોના હિત અંગેની કાળજી, તમારી જાગૃતિ વગેરેના કારણે તમે સમસ્ત સંઘના હૈયામાં આદરણીય તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છો. - એક વાર બન્યું છે એવું કે તમારી કમર પકડાઈ ગઈ છે. વિહાર કરવો તો તમારા માટે મુશ્કેલ બની જ ગયો છે પરંતુ બેસવું ય તમારા માટે કઠિન બની ગયું છે. અલગ અલગ અનેક પ્રકારના ઉપચારો પછી ય તમને જ્યારે એ દર્દમાં રાહત નથી અનુભવાઈ ત્યારે તમે એક વિનીત શિષ્યને બોલાવીને સૂચના કરી છે.
‘કોક ગૃહસ્થને ત્યાં જઈને એકાદ યોગપટ્ટ તમે લઈ આવો. કમર પર એ બાંધી દઉં. કદાચ એનાથી દર્દમાં થોડીક રાહત મળી જાય.'
અને ગૃહસ્થને ત્યાંથી એ મુનિ સુંદર મજેનો યોગપટ્ટ લઈ જ આવ્યા. કમર પર તમે એ બાંધી દીધો અને આશ્ચર્ય ! કમરના એ દર્દમાં તમને પુષ્કળ રાહત થઈ ગઈ. સ્વાધ્યાય-વાચના-વિહારાદિ તમારા પૂર્વવત ચાલુ તો થઈ ગયા છે પણ યોગપટ્ટ પ્રત્યે તમારા મનમાં એ હદે રાગ ઊભો થઈ ગયો છે કે એક પળ માટે ય તમે એને તમારાથી અળગો કરતા નથી. તમારા ગીતાર્થ શિષ્યોને એનો ખ્યાલ આવી ગયો છે અને એક ગીતાર્થ શિષ્ય તો તમારી પાસે આવીને નમ્રભાવે તમને વિનંતિ પણ કરી છે.
સુમંગલાચાર્ય! યોગપટ્ટકના ત્યાગની તમારા પટ્ટશિષ્ય તમને વારંવાર વિનંતિ કરી પણ તમે એને કાને ન જ ધરી ને?