________________
१
अभिणवपाविए गुणे, अणाइभवसंगए अ अगुणे।
- પંચસૂત્ર - ૨ eો
તાજું જ જન્મેલું બાળક. એને જો તમારે જીવતું રાખવું છે તો કેટકેટલી સાવધગીરી તમારે દાખવવી પડે ? ભૂખ એને લાગે. સંડાસ એને જવું હોય, પડખું એને ફેરવવું હોય, તરસ એને લાગી હોય, સ્તનપાન એને કરવું હોય, પેટ એનું દુ:ખતું હોય. એની તમામ પ્રકારની જરૂરિયાતો અને તમામ પ્રકારની સુરક્ષા તમારે જ પૂરી પાડવી પડે. બસ, મુનિ!. કોઈ પણ ગુણ ભલે આજે તારી પાસે ભલે કદાચ વરસોથી છે છતાં તું યાદ રાખજે કે એ ગુણનું પોત જન્મજાત બાળકનું જ છે. જો એ ગુણને તું જિવાડવા માગે છે તો એ અંગેની તમામ સાવધગીરી તારે જ દાખવવી પડવાની છે. બાળકને જિવાડવા જો મમ્મીએ જ સાવધગીરી દાખવવી પડે છે તો ગુણને જીવાડવા સાધકે જ સાવધગીરી દાખવવી પડે છે. આ સાવધગીરી બે સ્તરે દાખવવાની છે. બાળકને મમ્મી દૂધથી પુષ્ટ કરતી રહે છે અને માટીથી દૂર રાખતી રહે છે. મંદિરના પૂજારી દીપકમાં તેલ પૂરતો રહે છે અને પવનથી એને બચાવતો રહે છે. બસ, એ જ ન્યાયે ગુણોને તારે સનિમિત્તોથી પુષ્ટ કરતા રહેવાના છે
અને કુનિમિત્તોથી દૂર રાખતા રહેવાના છે. અને તો જ ગુણોને જિવાડવામાં તને સફળતા મળવાની છે. પણ સબૂર ! દોષની બાબતમાં આખી વાસ્તવિકતા જુદી છે. એનું મૂળ પોત તો અંધકારનું છે. કંટકનું છે. વિષ્ટાનું છે. રોગનું છે. આમાંના એકને પણ જિવાડવા કોઈને ય ક્યાં કાંઈ કરવું પડે છે ? એ બધાય સ્વયં સુરક્ષિત છે. બસ, દોષ ચાહે વાસનાનો હોય કે કષાયનો હોય, સુખશીલવૃત્તિનો હોય કે સ્વચ્છંદમતિનો હોય, પાપનો હોય કે પ્રમાદનો હોય, એ તમામનો સંગ તારો આજનો નથી, અનાદિકાળનો છે. એક એક ગતિના એક એક ભવમાં એ તમામ દોષો પ્રગટ-અપ્રગટ રૂપે તારી સાથે રહ્યા છે. માત્ર સાથે જ રહ્યા છે એવું નથી. એ તમામ દોષો તને ખૂબ ગમ્યા પણ છે. તારી તમામ તાકાતથી એ તમામને તેં તગડેબાજ બનાવ્યા છે. સંયમના આ ટૂંકા જીવનમાં એ તમામનો તું જો સફાયો બોલાવવા માગે છે તો કલ્પના કરી જોજે કે એ માટે તારે પુરુષાર્થ કેવો જંગી કરવો પડશે ! એ માટે તારે દોષો પ્રત્યેનો નફરતભાવ કેવો જાલિમ કેળવવો પડશે? એ માટે તારે અનાદિના અવળા સંસ્કારો સામે બળવો કેવો પોકારવો પડશે ? ટૂંકમાં, ગુણપક્ષપાત અને દોષતિરસ્કાર, આ બંને ભાવોને પરાકાષ્ટાએ લઈ ગયા વિના તું ગુણને જિવાડી શકે કે દોષોને ખતમ કરી શકે એવી કોઈ જ શક્યતા નથી આ સત્ય તારા દિલની દીવાલ પર કોતરી જ રાખજે.