________________ સર્વે મ તો સંયમજીવન જ હિમાલયને કદાચ ‘સર્વોચ્ચ’નું વિશેષણ આપી શકાય છે. કોહિનૂર હીરાને કદાચ ‘સર્વોત્કૃષ્ટનું વિશેષણ આપી શકાય છે પરંતુ ‘સર્વોત્તમ'નું વિશેષણ તો સંયમજીવનને જ આપી શકાય છે. આ સંયમજીવન અનંતકાળે હાથમાં આવે છે અને એ જીવનને પામીને ય જો પ્રમાદનું સેવન કરવામાં આવે છે. તો અનંતકાળે ય એ હાથમાં આવે કે કેમ એમાં શંકા છે. શાસ્ત્રનાં પાને પાને આ જીવનની પ્રાપ્તિને સાર્થક કરી દેવા માટે જાતજાતની પ્રેરણાઓ અને ચેતવણી આપવામાં આવી છે. એ તમામનો મારા મંદક્ષયોપશમાનુસાર અત્રે મારા શબ્દોમાં થોડોક વિસ્તાર કર્યો તો છે પરંતુ એમ કરવા જવામાં અજાણતાંય જો હું જિનાજ્ઞાવિરુદ્ધ અર્થઘટન કરી બેઠો હોઉં તો એનું અંતઃકરણપૂર્વક ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ માગું છું. ગુમ થઈ ગયેલ હીરો, ખોવાઈ ગયેલ લાખોની થપ્પી, આડું અવળું થઈ ગયેલ કરોડોની કિંમતનું ઝવેરાત પાછું મળી શકે છે; પરંતુ એક વાર હાથમાંથી ચાલ્યું ગયેલ સંયમજીવન? કદાચ અનંતકાળે પણ મળે કે કેમ એમાં શંકા છે. એ દુર્ભાગ્ય આપણાં લમણે ન ઝીંકાય એ અંગેની કેટલીક યુક્તિઓ બતાવતું પુસ્તક એટલે જ ફરી ક્યારે મળશે આ જીવન?” રત્નસુંદરસૂરિ