________________
૨૪
प्रवचनमातृसहितस्य सर्व्वकालं साधोः नियमेन न भवभयं भवति
ગલી ભલેને ગુંડાઓની છે
પરંતુ સાથે જો પૉલીસ કમિશનર છે
તો પછી ડરવાનું રહે છે જ ક્યાં ?
વાતાવરણમાં ઠંડી ભલે ને સખત છે
પરંતુ સાથે ધાબળા-સ્વેટર, મફલર વગેરે જો પર્યાપ્ત પ્રમાણમાં છે
તો પછી ઠંડીનો ડર રાખવાની જરૂર જ ક્યાં રહે છે ? ભૂખ ભલે ને સખત લાગી છે
પરંતુ રસોડામાં રસોઈ જો તૈયાર થયેલી જ પડી છે
તો પછી ક્ષુધાનો ત્રાસ વેઠવાની જરૂર જ ક્યાં રહે છે ?
મુનિ !
ચાર ગતિરૂપ સંસાર અતિ ભયંકર છે
એનો તને ખ્યાલ છે જ.
નરકગતિનાં દુઃખોનું
વર્ણન સાંભળતા પણ છાતીનાં પાટિયાં બેસી જાય તેમ છે એની તને ખબર છે.
તિર્યંચગતિમાં
બંધન-છેદન-ભેદન વગેરેની વેદનાઓ કેવી છે
એ તે પોતે તારી સગી આંખે અનેક વખત નિહાળ્યું છે.
દેવગતિમાં અતૃપ્તિના ત્રાસ કેવા જાલિમ છે
એ તે શાસ્ત્રોનાં પાને વાંચ્યા છે.
પરાધીનદશા-દારિદ્રય દૌર્ભાગ્ય વગેરેથી
મનુષ્યગતિ કેવી દુઃખદાયક બની રહે છે એનો ય તને ખ્યાલ છે.
૪૭
- ષોડશક - ૨
એકેન્દ્રિયપણાંની અને
વિકલેન્દ્રિયપણાંની જાલિમ દશા તો તેં આંખ સામે જ જોઈ છે. આ બધું જોયા-સાંભળ્યા બાદ તને
એમ થતું હોય કે આ સંસારમાં મારા આત્માનું થશે શું? દુર્ગતિનાં જાલિમ દુઃખો મારા લમણે
ઝીંકાઈ જશે તો મારી સમાધિ ટકશે શી રીતે ?
આવો ભય જો તારા મનમાં ઘર કરી ગયો હોય તો અમે તને એક સલાહ આપીએ છીએ. તું એક કામ કર.
આઠે ય પ્રવચન માતાઓને તું તારી સાથે રાખી લે.
એક પળ પણ તારા જીવનની એવી ન જવી
જોઈએ કે જે પળમાં પ્રવચન માતાઓ તારી સાથે ન હોય.
અલબત્ત, એક બાબતની અમે તને યાદ
કરાવવા માગીએ છીએ કે
શરીરને જન્મ આપનારી માતા પોતાનાથી
બાળક વિખૂટો ન પડી જાય એની ખુદ
તકેદારી રાખતી હોય છે જ્યારે
ચારિત્ર શરીરને જન્મ આપતી અષ્ટ પ્રવચન માતાઓ
તારાથી વિખૂટી ન પડી જાય એની તકેદારી તારે ખુદે રાખવાની છે.
તારો મામૂલી પણ પ્રમાદ, અલ્પ પણ અસાવધગીરી અને
એ આઠે ય પ્રવચન માતાઓ તારાથી દૂર !
લખી રાખજે તારા દિલની દીવાલ પર કે
જો અષ્ટ પ્રવચન માતાઓ સર્વ સમયમાં તારી સાથે જ છે તો
આ સંસારનો તારે કોઈ જ ભય રાખવાનો નથી.
અને જો અષ્ટ પ્રવચન માતાઓને તેં
છોડી દીધી છે તો આ સંસાર તારી રેવડી દાણાદાણ કરી નાખવાનો છે. વાત્સલ્યમયી મમ્મી કમજોર બાળકથી એક પળ માટે ય દૂર રહેતી નથી. કમજોર સંયમી એવા તારે
એક પળ માટે ય અષ્ટ પ્રવચન માતાઓને દૂર રાખવાની નથી. તારી મુક્તિ નિશ્ચિત્ત છે.
૪૮