________________
@
@
@ @ ૨૨ = @ ऐंदयुगिन: पुमांस प्रायेण स्वीकृतमहाव्रता
अपि न दृश्यन्ते संयमे रताः
- દર્શનશુદ્ધિપ્રકરણ ગા. ૧/૨
.
બદામપાક પેટમાં પધરાવ્યો. મુખ પર ચમક તો ન આવી. પણ તબિયત બગડી ગઈ..કારણ ? હોજરી જ બગડેલી હતી. હાથમાં ચાવી આવી ગઈ. તાળું ખોલવાની વાત તો ઘેર ગઈ. ખુલેલું તાળું બંધ થઈ ગયું. કારણ? ચાવી અવળી બાજુ ફેરવાઈ ગઈ. હાથમાં છરી આવી તો ગઈ પણ એનાથી શાક ન સુધર્યું, ઊલટું, હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. કારણ ? છરી વાપરતાં ન આવડી. મુનિ! તેં સ્વીકારેલાં મહાવ્રતોની મહાનતાનો તને કોઈ ખ્યાલ છે ખરો ? એના વિશુદ્ધ પાલનમાં આત્માના અનંત અનંત કાળથી ચાલ્યા આવતા સંસાર પરિભ્રમણ પર પૂર્ણવિરામ મૂકી દેવાની અને જે સુખની આત્માએ ક્યારેય અનુભૂતિ જ નથી કરી એની અનુભૂતિ કરાવી દેવાની આગવી તાકાત ધરબાયેલી છે. પણ સબૂર ! જે મહાવ્રતો તે સ્વીકાર્યા છે એના ભંગની ખતરનાકતા તારી જાણમાં છે ખરી? કુગતિ, કુકર્મોનો બંધ અને કુમતિ, આ ત્રણ ‘કુ’ જનમજનમ તારી સાથે ને સાથે જ રહે અને
તને દુઃખી તથા પાપી બનાવતા જ રહે એ છે મહાવ્રતભંગના જાલિમ અપાયો. પણ તને અમે યાદ કરાવવા માગીએ છીએ કે જે પાંચમા આરામાં અત્યારે તું જીવન જીવી રહ્યો છે એ પાંચમો આરો આમ તો પ્રત્યેક અવસર્પિણીમાં આવે જ છે પરંતુ આ અવસર્પિણીને ‘હૂંડા'નું એક કલંકિત વિશેષણ મળ્યું છે. અનંતકાળે આવે એવી આ અવસર્પિણિ છે. અને એનો જ આ દુધ્રભાવ છે કે સામે ચડીને, સત્ત્વ ફોરવીને સમજણપૂર્વક મહાવ્રતોનો સ્વીકાર કરી ચૂકેલા સંયમીઓ પણ મહાવ્રતોના પાલનમાં સજાગ નથી દેખાતો, સાવધ નથી દેખાતા, આનંદિત નથી દેખાતા. અમે બીજાઓની વાત નથી કરતા. તને જ પૂછીએ છીએ. મહાવ્રતોના વિશુદ્ધ પાલનની બાબતમાં તું સાવધ કેટલો છે? સાપેક્ષ કેટલો છે ? જાણી-જોઈને મહાવ્રતોનો ભંગ તું નથી જ કરતો એવું નક્કી ખરું? મહાવ્રતોના ભંગમાં તારું અંતઃકરણ રડી જ પડે છે એવું નક્કી ખરું ? મહાવ્રતોના પાલનમાં જેઓ અડગ છે એ સહુ પ્રત્યે તારા હૈયામાં પ્રચંડ આદરભાવ જીવતો જ રહે છે એવું નક્કી ખરું ? જો આ તમામ પ્રશ્નોનો સંતોષજનક પ્રત્યુત્તર તારા અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો અમારે તને યાદ કરાવવું છે કે તારું ભાવિ ભયંકર છે. એક મહાવ્રતના ભંગમાં પણ આત્માને દુર્ગતિમાં જતો ખુદ પરમાત્મા પણ જો બચાવી શકતા નથી તો પાંચે ય મહાવ્રતોના ભંજક એવા તારા આત્માનું થશે શું?' ખૂબ ગંભીરતાથી આના પર વિચાર કરજે.