________________
मुमुक्षूणां क्षणमपि निरभिग्रहाणामवस्थानस्य
अक्षमत्वात्।
- ઉપદેશપદ - ૪૫૦ થી.
તૃષાતુર માણસ પાણી માટે વલખાં માર્યા સિવાય રહી શકશે ? અસંભવ ! દમનો દર્દી પ્રાણવાયુ માટે તડપ્યા વિના રહી શકશે ? અસંભવ ! રોગોથી રિબાઈ રહેલ દર્દી તંદુરસ્તી માટે પ્રભુને પ્રાર્થના કર્યા વિના રહી શકશે? અસંભવ ! દરિદ્રતાનો શિકાર બનેલો દરિદ્રી પૈસા માટે ઝાવાં નાખ્યા વિના રહી શકશે ? અસંભવ ! મુનિ! તારી જાતને તું જો “મુમુક્ષુ' માને છે, તારું અંતઃકરણ જો દુઃખભીરુ કે પાપભીરુ નહીં પણ આગળ વધીને ભવભીરુ પણ છે એવું જો તું માને છે, નારકનાં દુઃખો અને સ્વર્ગનાં સુખો વચ્ચે કોઈ જ તફાવત નથી, સુખ તો એક માત્ર મોક્ષનું જ ઉપાદેય છે આ શ્રદ્ધા તારા હૃદયમાં સ્થિર થઈ ગઈ હોવાનું જો તું માને છે તો એટલું જ કહેવું છે અમારે તને કે તારી એ માન્યતા સાચી છે એ જાણવા તારે કસોટીના આ પથ્થર પર એ માન્યતાને ચકાસી લેવાની જરૂર છે. આ રહ્યો એ કસોટીનો પથ્થર !
૩૫
જાતજાતનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહો લેવા તારું મન જો સતત ઉત્સાહિત રહેતું હોય, તડપતું અને તલસતું રહેતું હોય તો સમજી રાખજે કે તારું મુમુક્ષુપણું સાચું છે. ભવભીરુતા તારી પાકી છે. મુક્તિસુખ માટેનું તારું આકર્ષણ નક્કર છે. પણ શક્તિ હોવા છતાં, સંયોગો સાનુકૂળ હોવા છતાં, પ્રભુ આજ્ઞાની જાણકારી હોવા છતાં, પ્રભુવચનો કંઠસ્થ હોવા છતાં, ઉપકારી ગુરુદેવની પ્રેરણા હોવા છતાં સહવર્તિઓની સુંદર હૂંફ હોવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના કોઈ પણ પ્રકારનો અભિગ્રહ લેવાનો તારા મનમાં ઉત્સાહ જ જાગતો નથી, એ માટે જો તને કોઈની શરમ પણ નડતી નથી તો નિશ્ચિત્ત સમજી રાખજે કે તારું મુમુક્ષુપણું દંભી છે. તારી ભવભીરુતા પોકળ છે. સાધુપણાંનો તારો વેશ નિરર્થક છે. કમાલની કરુણતા જ કહેવાય ને ? ડબ્બા પર લેબલ ‘સાકર'નું હોય અને એને ખોલો ત્યારે એમાંથી “ધૂળ” નીકળે એ એટલી કરુણતા નથી પરંતુ શરીર પરનો વેશ “મુમુક્ષુપણાં’ની જાહેરાત કરનારો હોય અને એ વેશ જેના શરીર પર હોય એનું અંતઃકરણ ‘ભોગસુખો’ પ્રત્યે આકર્ષિત હોય એ તો જાલિમ કરુણતા છે. એટલું જ કહીએ છીએ તને કે તારું મન અને જીવન, આ કરુણતાના શિકાર બન્યાં હોય તો વહેલી તકે એમાંથી તું બહાર નીકળી જજે.