________________
૧૫
निबिडकर्मणां हितोपदेशो महादोषो महाद्वेषो वा जायते
तस्मात् तान् प्रति मा बहु बहु जल्पत ।
– વૈરાગ્યશતક - ૭૬
જેના શરીરની પ્રકૃતિ જ કફની છે એને તમે ભલેને હળદર આપો. એને કફ જ થવાનો છે.
મનનો અભિગમ જ જેનો નકારાત્મક બની ગયો છે,
અને તમે ભલેને કાશ્મીરના સૌંદર્યની વચ્ચે લાવીને ગોઠવી દો, એનું મન અપ્રસન્ન જ રહેવાનું છે. બિલાડીને તમે ભલેને રાજસિંહાસન પર બેસાડી દો, ગટરમાં ફરી રહેલ ઉંદર દેખાતાંની સાથે જ
એ રાજસિંહાસન છોડીને ગટર તરફ ભાગવાની છે. મુનિ ! જે આત્મા જ ભા૨ેકર્મી છે, અપ્રજ્ઞાપનીય છે, તુચ્છતાનો અને ક્ષુદ્રતાનો શિકાર બનેલો છે
એને તું એના હિતની વાતો પણ સંભળાવીશ ને,
તો એ હિતની પણ વાતો, એના ખુદના દોષને માટે જ થશે અને
તારા પ્રત્યેના દ્વેષને માટે જ થશે
એ હકીકતને આંખ સામે રાખીને અમે તને સલાહ
આપીએ છીએ કે એવા ભારેકર્મી આત્માને તું વધુ પડતી સલાહ ન આપીશ.
એવા અપાત્ર આત્મા સાથે તું વધુ પડતી વાતચીતો ન કરીશ. પણ સબૂર !
એક જુદા જ સંદર્ભમાં અમે તને એક પ્રશ્ન પૂછવા માગીએ છીએ.
એનો નિખાલસ દિલે તું જવાબ આપજે.
તું સામાને હિતશિક્ષા આપવા જાય છે
અને એ હિતશિક્ષા એને દોષ માટે કે દ્વેષ માટે
થાય છે એ વાત હમણાં તું એક બાજુ પર રાખ.
૨૯
તને કોઈ હિતશિક્ષા આપવા આવે છે
એ હિતશિક્ષા તને કઈ રીતે પરિણમે છે ? દોષરૂપે કે ગુણરૂપે ?
દ્વેષરૂપે કે પ્રેમરૂપે ?
એ હિતશિક્ષા સાંભળતા તને ‘હું ધન્ય બની ગયો’ આવી લાગણી ઉત્પન્ન થાય છે ખરી ?
એ હિતશિક્ષા સાંભળ્યા બાદ એના અમલ માટે
દૃઢ સંકલ્પ અને પ્રચંડ સત્ત્વ ફોરવવાનું તને મન થાય છે ખરું ?
એ હિતશિક્ષા આપનાર પ્રત્યે તારા મનમાં
સદ્ભાવ અને બહુમાનભાવ ટકી રહે છે ખરો ?
વારંવાર આવી હિતશિક્ષાઓ મળતી રહે તો સારું, એવો ભાવ અંતરમાં ઊઠે છે ખરો ?
જો ના, તો સમજી રાખજે કે
તારો આત્મા પણ ભારે કર્મી જ છે.
તારી સદ્ગતિ પણ મુશ્કેલપ્રાયઃ જ છે.
સદ્ગુણોના ઉઘાડની સંભાવના તારા માટે પણ કઠિન છે. પરિણતિની નિર્મળતા તારા માટે પણ મુશ્કેલ છે.
કેવી કરુણદશા છે એવા આત્માઓની કે જેઓ છદ્મસ્થ છે
અને છતાં પ્રજ્ઞાપનીય નથી !
જેઓ સાધક છે અને છતાં સાંભળવા તૈયાર નથી !
જેઓ માર્ગ પર છે અને છતાં આપ્ત પુરુષોનું માર્ગદર્શન લેવા તૈયાર નથી !
જેઓ અપૂર્ણ છે અને છતાં પોતાની ખામીઓને સુધારવા તૈયાર નથી !
અમે બીજાઓની વાત નથી કરતા.
અમે તો તને ખુદને કહીએ છીએ.
આવા હીનભાગી આત્માઓમાં તારો નંબર હોય તો
તું પોતે એમાંથી બહાર નીકળી જજે.
બીજાઓને હિતોપદેશ સંભળાવતા રહેવાને બદલે
તું પોતે અન્યોના હિતોપદેશને એ રીતે સાંભળતો જા કે
જે હિતોપદેશ તારા ગુણને માટે બનતો જાય અને હિતોપદેશ આપનાર પ્રત્યેના પ્રેમભાવને વધારનારો બનતો જાય.
૩૦