________________
नैव विश्वसितव्यं स्तोकेऽपि कषायशेषे किन्तु । मिथ्यादुष्कृतादिभिर्झटित्येव ततो निवर्त्तनीयम्।
વિશેષાવશ્યક ભાષ્ય
- ગા. ૧૩૨૪
$
છે
ક્યાં ભરોસો કરીએ છીએ આપણે આગની ચિનગારીનો?
ક્યાં આપણે ઉપેક્ષા કરીએ છીએ નાનકડા પણ સાપોલિયાની ?
ક્યાં આપણે બેફિકર રહીએ છીએ નાનકડા પણ રોગ પ્રત્યે ? પણ અનંતજ્ઞાનીઓ અહીં આપણું ધ્યાન એક અલગ જ બાબત તરફ દોરી રહ્યા છે. ‘કષાયનું કદ નાનું છે. એમ સમજીને ન તો એનો તું ભરોસો કરતો કે ન તો એની તું ઉપેક્ષા કરતો, ન તો એને તું મામૂલી માની બેસતો કે ન તો એને તું તુચ્છ માની બેસતો. કારણ કે એનું પોત ચિનગારીનું છે. નાનકડી એક જ ચિનગારીમાં જેમ લાખો-કરોડો જીવોની સ્મશાનયાત્રા કાઢી નાખવાની પાશવી ક્ષમતા પડી છે, તેમ નાનકડા એક જ કષાયમાં તારા કરોડો-અબજો વરસોના સંયમપર્યાયને નિરર્થક અને નુકસાનકારી બનાવી દેવાની પાશવી ક્ષમતા પડી છે. એક જ વખતના મામૂલી પણ કષાયમાં લોચ-વિહારાદિના તેં વેઠેલાં કષ્ટોને, લોહી-પાણી એક કરીને તેં કરેલા સ્વાધ્યાયને,
શરીરને કૃશ બનાવી દેતી તેં કરેલ તપશ્ચર્યાને મૂલ્યહીન બનાવી દેવાની ભયંકર ક્ષમતા ઘડી છે. તારી પાસે જો દૃષ્ટિનો ઉઘાડ હોય, પ્રભુવચનો પર તારી જો શ્રદ્ધા હોય, દુર્ગતિના જાલિમ દોષોથી તારી જાતને તું જો દૂર રાખવા માગતો હોય, આજે શબ્દોમાં રમી રહેલ મોક્ષના સુખને તું જો અનુભૂતિનો વિષય બનાવવા માગતો હોય, મોક્ષ ન મળે ત્યાં સુધી તારા માટે તું જો સદ્ગતિની પરંપરા નક્કી કરી દેવા માગતો હોય તો એના શ્રેષ્ઠ વિકલ્પો બે જ છે. શું જીવનમાં કે શું મનમાં, કષાયને તું સ્થાન આપ જ નહીં. સત્ત્વની કચાશના કારણે નિમિત્તને આધીન બનીને તારાથી ક્યારેક કષાય થઈ પણ જતો હોય અથવા તો સામે ચડીને તું કષાય કરી બેસતો પણ હોય તો તું તુર્ત જ એનું મિચ્છા મિ દુક્કડ માગી લઈને એનાથી પાછો ફરી જા. શું કહીએ તને? અપમાનો વેઠવા પડતાં હોય તો એ વેઠી લેજે. અહં તૂટતો હોય તો તૂટવા દેજે અને કદાચ જીવન પર ખતરો આવી જતો હોય તો એને સ્વીકારી લેજે પણ કષાયને તો તું તારું મન આપતો જ નહીં. અનંતકાળથી આ સંસારમાં તને રખડતા રાખવાનું કામ જે કષાયોએ કર્યું છે એ કષાયોમાં મિત્રબુદ્ધિ? એ કષાયોમાં સુરક્ષાબુદ્ધિ ? એ કષાયોમાં હિતબુદ્ધિ? એ કષાયોમાં ઉપકારી બુદ્ધિ ? યાદ રાખજે, આ જ તો મિથ્યાત્વ છે. કપડાંથી તું સંયમી અને મનથી તું મિથ્યાત્વી ?