________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
એક રાત અનેક વાત રાજા સાગરદત્તને સ્વયંવરમાં મોકલે છે... જે જે સ્વયંવરમાં સાગરદત્ત જાય છે
ત્યાં રાજ કુમારીઓ સાગરદત્તના ગળામાં જ વરમાળા પહેરાવે છે! અને આ રીતે સાગરદત્તને અનેક રૂપવતી-ગુણવતી રાણીઓની પ્રાપ્તિ થઈ.
વિશાળ સામ્રાજ્યની સમગ્ર જવાબદારીઓ રાજા વજદર સંભાળતા હતા, એટલે સાગરદત્ત મુક્ત મનથી પત્નીઓ સાથે દિવસ-રાત સુખમગ્ન રહે છે, પાંચેય ઇન્દ્રિયોનાં શ્રેષ્ઠ વિષયસુખો ભોગવે છે.
પૂર્વજન્મમાં સહુ જીવો માટે હિતકામના કરેલી હતી, એના ફળરૂપે આ જન્મમાં બધાં સ્વજનો એના તન-મનને સુખ આપનારાં મળ્યાં! કોઈ પત્ની સાગરદત્તના મનને પણ દુભવતી નથી. બધી જ પત્નીઓ તેને સુખના આનંદના સાગરમાં ડૂબકીઓ ખવડાવે છે. એ જ રીતે કુમાર પણ સર્વે પત્નીઓને સંતુષ્ટ રાખે છે, આનંદિત રાખે છે.
સુખમાં સમય તીવ્ર ગતિથી વહે છે. દિવસો, મહિનાઓ ને વર્ષો વીતી જાય છે, અને આ તો મહાવિદેહ ક્ષેત્ર! ત્યાંનાં સ્ત્રી-પુરુષોનું આયુષ્ય પણ કરોડો વર્ષોનું! યુવાનીનો કાળ ઘણો મોટો હોય.
સાગરદત્તના સુખભરપૂર જીવનને જોઈને રાજા-રાણી પણ સંતુષ્ટ રહે છે. પોતાને કૃતાર્થ સમજે છે. પુત્રનું સુખ, તેઓ પોતાનું સુખ માને છે.
પરંતુ આ સંસાર છે! પૂર્ણા જ્ઞાની પુરુષોએ સંસારને દુઃખરૂપ જોયો છે ને જાણ્યો છે. સંસારનાં સુખોને ક્ષણિક અને વિનાશી જોયાં છે ને જાણ્યાં છે.
સાગરદત્ત પત્નીઓની સાથે મહેલના ઝરૂખામાં બેઠો છે. સામે વિશાળ આકાશ પથરાયેલું છે. પશ્ચિમ દિશાની ક્ષિતિજ પર સૂર્ય પહોંચી ગયો છે. ક્ષિતિજે લાલ ચૂંદડી ઓઢી લીધી છે... ને સૂર્ય ડૂબી જાય છે.
કુમાર અનિમેષ દૃષ્ટિથી ક્ષિતિજ તરફ જોઈ રહ્યો છે. સંધ્યાના રંગોએ અભુત આકૃતિઓ સર્જવા માંડી છે. એક વાદળ આવી ચઢે છે... સંધ્યા તેને સોનેરી રંગોથી રંગી દે છે... વાદળ મેરૂ પર્વતનું રૂપ લઈ લે છે. કુમારની આંખો નાચી ઊઠે છે... મન ડોલી ઊઠે છે. તેના મુખમાંથી “અદ્ભુત...અદ્ભુત!' શબ્દો સરી પડે છે. પત્ની પણ આનંદથી ઝૂમી ઊઠે છે.
પરંતુ... થોડી ક્ષણો વીતી ન વીતી... પવનનો તીવ્ર સુસવાટો આવ્યો ને વાદળ વિખરાઈ ગયું.. મેરૂ કણ કણ બનીને વેરાઈ ગયો... ક્ષિતિજ પર અંધારું ઊતરી આવ્યું...
For Private And Personal Use Only