________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
એક રાત અનેક વાત ' અરે, ધર્મક્રિયાઓમાં તો મન નથી લાગતું, ખાવા-પીવાની ક્રિયામાં પણ મારું મન ક્યાં લાગે છે? મને ખાવા-પીવાનું પણ નથી ગમતું. મને રાત્રે ઊંઘ પણ ક્યાં આવે છે? નાગિલા સિવાય બધું જ નીરસ અને નિરર્થક બની ગયું છે. એના વિરહની આગ હવે મારાથી નહીં સહી શકાય, લાકડાની આગ તો પાણીથી બુઝાવી શકાય, પરંતુ આ કામપીડાની આગ... એની પ્રચંડ જ્વાલાઓને બુઝાવવી મારા માટે અશક્ય છે. કેટકેટલાં આંસુ વહાવ્યાં? છતાં આંસુનાં પાણીથી એ જ્વાલાઓ બુઝાઈ નથી.
કૃપાવંત આચાર્યદેવે અને કરુણાસાગર મોટાભાઈએ મને વૈરાગ્યનો ઉપદેશ શું ઓછો આપ્યો છે? છતાં, એ જિનવચનોથી પણ મારી ભીતરની આગ બુઝાઈ નથી. હા, એમાં ચંદન જેવાં શીતલ જિનવચનોનો દોષ નથી, દોષ છે મારી વડવાનલ જેવી પ્રચંડ કામવાસનાની આગનો. વિરહાગ્નિની આગ મારા અંગેઅંગમાં ફેલાઈ ગઈ છે. સર્વભક્ષી બની ગઈ છે.
એ રૂપસુંદરી નાગિલાની સુંદર કાયા, મારી કલ્પનાના સાગરમાં તર્યા કરે છે. એના લાલ-લાલ પરવાળા જેવા હોઠમાં અમૃત ભરેલું છે. ઉજ્જવલ ચન્દ્ર જેવું એનું મુખડું શીતળ જ્યોત્સનાનો છંટકાવ કરનારું છે. એની મીઠી મીઠી વાણીમાં સાકરનો આસ્વાદ રહેલો છે. મૃણાલદંડ જેવા તેના બે બાહુ સ્વર્ગીય સુખ આપવા આહ્વાન કરી રહ્યા છે. તેનો ઉન્નત ઉરપ્રદેશ અને મુક્ત કેલિક્રિડા કરવા માટે નિમંત્રી રહ્યો છે.
આવી પ્રિયા મારા મનમાં વસેલી છે. આ વ્રત-મહાવ્રત શું કામનાં? એ બિચારી મારી પ્રિયતમા. ટોળાથી વિખૂટી પડેલી હરિણી જેવી... એનું શું થયું હશે? કેવી કેવી અભિલાષાઓ લઈને એ આવી હતી? મેં એને ત્યજી દીધી. મેં એને દુઃખી કરી.. હું પણ બાર-બાર વર્ષથી દુઃખી થઈ રહ્યો છું.
પરંતુ હજુ કાંઈ મોડું થયું નથી. હજુ એ ૨૫૨૭ વર્ષની રમણી છે અને હું ૨૮ ૩૦ વર્ષનો યુવક છું. હજુ અમારૂં યૌવન છે. આ સાધુવેષ ત્યજી દઉં? અને ઘરે જઈ, એની સાથે ગૃહસંસાર શરૂ કરી દઉં? એ મારી પ્રાણેશ્વરી બની રહેશે. હું એનો દાસ બની રહીશ.
એકેય વાતે હું એને દુઃખી નહીં કરું. એની એકે-એક વાત માનીશ. એની એક-એક ઇચ્છા પૂર્ણ કરીશ. એ રિસાશે તો હું એને મનાવીશ. જો કે એ પણ મને ક્યારેય દુ:ખી કરે એવી નથી. મને દુઃખી જોઈને તો એ બોર-બોર જેવડાં આંસુ પાડે. હે ભગવાન... જો તેં મને પાંખો આપી હોત તો હમણાં જ ઊડીને હું એની પાસે પહોંચી જાત.
For Private And Personal Use Only