________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટનાચક્ર
૩૯ કાયોત્સર્ગ કરી, ભવદત્ત મુનિનો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા ગૃહસ્થોને સોંપી દીધો. ભવદત્ત મુનિનો આત્મા “સૌધર્મ-દેવલોકમાં દેવ થયો.
સ્થવિર મુનિઓએ ભવદેવ મુનિને સાંત્વના આપી. તેમના શોકને દૂર કરવા પ્રયત્ન કર્યો. તેમનું રુદન તો બંધ થયું, પરંતુ જાણે કે એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી માનસિક સ્થિતિ થઈ ગઈ. તેમનું હૃદય વિયોગની વેદનાથી વલુરાવા
માંડ્યું.
બાર-બાર વર્ષ જેમનું અપાર વાત્સલ્ય મળ્યું હતું, જેમનો નિર્મળ સ્નેહ મળ્યો હતો, જેમની ભરપૂર કરુણા મળી હતી, તે ભવદત્ત મુનિ અવિરત, ભવદેવ મુનિની સ્મૃતિમાં રહે છે. તેમના અનેક ગુણો કલ્પનાલોકમાં સાકાર બને છે. દિવસો વીતે છે.
શૂન્ય બની ગયેલા મનમાં નાગિલાની આકૃતિ ઊપસવા માંડે છે. ભવદેવ મુનિ વિહ્વળ બની જાય છે. જીવનની નીરસતા નાગિલાની કલ્પનાકૃતિને પકડી લે છે.
હું નાગિલાને ચાહુ છું. નાગિલા મારા હૃદયમાં છે. એ પણ મને ચાહે છે. હું એનો પ્રાણવલ્લભ છું. અમે એક-બીજાને ચાહીએ છીએ. હું એને ભૂલ્યો નથી તેમ એ પણ મને ન જ ભૂલે. ભલે; મેં બાર વર્ષ સુધી મહાવ્રત પાળ્યાં, મોટાભાઈને લીધે, એમના વચનની ખાતર મેં પાળ્યાં છે. મોટાભાઈ સ્વર્ગવાસી થયા. હવે મારે કોની ખાતર આ વ્રત પાળવાનાં?
વળી, જ્યાં નિરંતર મારું હૃદય નાગિલાના વિરહથી સળગતું જ રહ્યું છે, ત્યાં આ વ્રત-મહાવ્રત મારા માટે ગુણકારી કેવી રીતે બને? વ્રત-મહાવ્રત તો એમના માટે ગુણકારી-હિતકારી બને છે કે જેઓ વૈષયિક સુખોની લાલસાથી મુક્ત હોય. જેઓ એ લાલસાને કચડી નાંખવા ઇચ્છતા હોય. હું તો એ લાલસાને પૂરી કરવા ઇચ્છું છું. મારે તો નાગિલાનું સુખ જોઈએ છે. એ સુખ મેળવવા હું બાર-બાર વર્ષથી તડપી રહ્યો છું. મારી ભીતરની એ આગથી મારા શરીરમાં લોહી-માંસ સુકાઈ ગયાં છે. લોકો એમ માને છે કે તપ-ત્યાગથી મારું શરીર શોષાઈ ગયું છે! તેઓ મારા ભીતરની વ્યથા કેવી રીતે જાણે?
સાધુજીવનની અનેક ક્રિયાઓ મેં કરી, પરંતુ એકેય ક્રિયામાં મારું મન ક્યાં જોડાયું છે? મન વિનાની આ બધી ધર્મક્રિયાઓ વ્યર્થ ગઈ છે. કોઈ જ ધર્મક્રિયામાં મારૂં મન લાગ્યું નથી. અને લાગવાનું નથી.
For Private And Personal Use Only